મદ્રાસ હાઇકોર્ટની મધુરાઈ બેન્ચના ન્યાયાધીશો પી. વેલમુરુગન અને કે.કે. રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે રામા રવિકુમાર નામના અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ અરજી પર સુનાવણી કરતા આ મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. અદાલતે તંજાવુર જિલ્લાના તિરુવૈયારુ તાલુકાના કંદિયુરમાં સ્થિત અર્ુલમિગુ બ્રહ્મસિરાકન્ડીશ્વર મંદિરની માલિકીની જમીન પર વર્ષો પહેલા સ્થાપિત કરવામાં આવેલી દ્રવિડિયન નેતા ઇ.વી. રામાસામી 'પેરીયાર'ની પ્રતિમાને હટાવવા માટે નિર્દેશ કર્યો છે. કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા તથ્યોમાં સ્પષ્ટ થયું હતું કે આ પ્રતિમા સરકારી 'પોરંબોકે' જમીન પર નહીં, પરંતુ મંદિર પરિસરમાં જ આવેલી છે.
અદાલતી કાર્યવાહી દરમિયાન તંજાવુર જિલ્લા કલેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલા સ્ટેટસ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ હતી કે આ પ્રતિમાની સ્થાપના માટે મંદિરના સત્તાવાળાઓ, જિલ્લા કલેક્ટર કે અન્ય કોઈ પણ સક્ષમ અધિકારી પાસેથી કાયદેસરની પરવાનગી લેવામાં આવી ન હતી. આ બાબતને ગંભીરતાથી લેતા કોર્ટે અવલોકન કર્યું કે ધાર્મિક સંસ્થાઓ કે મંદિરની જમીન પર વહીવટી મંજૂરી વગર કોઈપણ પ્રતિમા કે બાંધકામ કરવું યોગ્ય નથી. અરજદાર દ્વારા હિન્દુ ધાર્મિક અને દાન ધર્માદા (HR&CE) વિભાગના સંયુક્ત કમિશનરની ભલામણોના આધારે આ પ્રતિમાને તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી હતી, જેને અદાલતે ગ્રાહ્ય રાખી છે.
આ આદેશનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવા માટે હાઇકોર્ટે જિલ્લા કલેક્ટરને આગામી ચાર અઠવાડિયાની સમયમર્યાદા આપી છે. નિર્ધારિત સમયગાળામાં પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચે તે રીતે અત્યંત સુરક્ષિત રીતે ત્યાંથી હટાવીને અન્ય યોગ્ય અને માન્ય સ્થાને પુનઃસ્થાપિત કરવાની રહેશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે, અને અદાલતે આ કેસની આગામી સુનાવણી રિપોર્ટ રજૂ કરવા માટે ચાર અઠવાડિયા પછી સૂચિબદ્ધ કરવાનો આદેશ કર્યો છે.
