ગોવા રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વધતા જતા પારિવારિક વિવાદો અને છૂટાછેડાના આંકડાઓએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. કાનૂની વિભાગના આંકડા મુજબ, વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૫ ની વચ્ચે ગોવાની સિવિલ કોર્ટોમાં ૩,૦00 થી વધુ લગ્ન અને છૂટાછેડા સંબંધિત અરજીઓ દાખલ થઈ છે, જેમાં એકલા વર્ષ ૨૦૨૪ માં જ ૯૪૭ અરજીઓ નોંધાઈ હતી. આ ગંભીર સમસ્યાને ડામવા માટે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં પ્રી-મેરેજ કાઉન્સેલિંગ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેમાં ખાસ કરીને લવ મેરેજ કરતા યુગલો પૂરતા સમજ વગર લગ્ન બંધનમાં બંધાઈ જતા હોવાની વાત સામે આવી છે.
આ જ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને ગોવા કોલેજ ઓફ હોમ સાયન્સના હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડીઝ વિભાગ દ્વારા આગામી ડિસેમ્બરથી એક ઓપન સર્ટિફિકેટ કોર્સ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. કોલેજ દ્વારા વર્ષ ૨૦૦૭ થી પોતાના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા આ વિષયને હવે સામાન્ય જનતા અને યુવા વર્ગ માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને લગ્ન પહેલાં પોતાની ભાવનાત્મક પરિપક્વતા તપાસવા, જીવનસાથીને બરાબર સમજવા અને લાંબા ગાળાના સંબંધોની વાસ્તવિકતાઓથી માહિતગાર કરવાનો છે, જેથી લગ્નજીવન મજબૂત અને સુખી બની શકે.
આ વિશેષ અભ્યાસક્રમ માત્ર લગ્નની તૈયારીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વ્યક્તિગત ઓળખ, આત્મ-જાગૃતિ અને સંબંધોની કુશળતા પર વિશેષ ભાર મૂકે છે. માત્ર યોગ્ય ઉંમર હોવી એટલે લગ્ન માટે તૈયાર હોવું એવું નથી, તે સમજાવવા માટે આ કોર્સમાં પર્સનાલિટી એસેસમેન્ટ, આત્મ-ચિંતન સત્રો અને વ્યવહારુ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સહભાગીઓને તેમની ક્ષમાભાવના, સમાધાન કરવાની વૃત્તિ અને આંતરવૈયક્તિક કૌશલ્યોનું મૂલ્યાંકન કરવાનું શીખવવામાં આવશે, જેથી યુગલો લગ્નના ઉત્સાહમાં મહત્ત્વની વાતોને નજરઅંદાજ ન કરે અને ભવિષ્યના સંબંધોના પડકારોનો મજબૂતાઈથી સામનો કરી શકે.
