વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એકતા દિવસના અવસરે યોજાયેલી ભવ્ય સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે લોકશાહીમાં વિપક્ષનું કામ સરકારની નીતિઓનો વિરોધ કરવાનું અને પડકારવાનું છે, પરંતુ દુર્ભાગ્યવશ આજનો વિપક્ષ દેશના વિકાસમાં માત્ર 'અવરોધક બળ' બનીને રહી ગયો છે. ગત એક દાયકાની રાજકીય નિરાશાથી ઘેરાયેલા આ લોકો હવે ખુલ્લેઆમ દેશને તોડવાના અને જનતામાં ભ્રમણા ફેલાવવાની રાજનીતિ કરી રહ્યા છે. બંધારણીય મર્યાદાઓ અને ગરિમાને તાક પર મૂકીને દેશના નાગરિકો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, જેની પાછળ ભારત વિરોધી તાકાતોનો પણ હાથ હોઈ શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વિદેશી ધરતી પર થઈ રહેલી બેઠકો અને સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે આકરા પ્રહારો કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાને આજે અફવાઓ ફેલાવવાનું અને દેશની વૈશ્વિક છબી ખરાબ કરવાનું હથિયાર બનાવવામાં આવ્યું છે. વિદેશમાં ગુપ્ત રીતે કોણ મળી રહ્યું છે અને કઈ વિરોધી શક્તિઓ તેમને સમર્થન આપી રહી છે તે હવે છૂપું રહ્યું નથી. દેશના દુશ્મનો જેવી જ ભાષા બોલનારા આવા તત્વોના ઈરાદાઓને ઓળખીને દેશે એક થઈને તેનો સામનો કરવાની જરૂર છે. આ સાથે જ તેમણે કોંગ્રેસનું નામ લીધા વિના કટાક્ષ કર્યો હતો કે દાયકાઓ સુધી 'ગરીબી હટાવો'ના નામે માત્ર સત્તા મેળવવામાં આવી, પરંતુ વાસ્તવિક ઉત્થાન લાવવાનું કામ વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
છેલ્લા દાયકામાં દેશમાં થયેલા પરિવર્તનોનો ચિતાર આપતા વડાપ્રધાને વિશ્વ બેંકના અહેવાલને ટાંક્યો હતો કે છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં ભારતના ૫૦ કરોડ લોકોએ અત્યંત ગરીબીમાંથી બહાર આવવામાં સફળતા મેળવી છે. મફત અનાજ વિતરણ, આયુષ્યમાન ભારત જેવી સ્વાસ્થ્ય સેવાઓ, પાકા મકાનો, શૌચાલય નિર્માણ અને ઉજ્જવળ યોજના જેવા પગલાંઓએ ગરીબ પરિવારોનું જીવનધોરણ ઊંચું લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત, દેશમાંથી નક્સલવાદ અને માઓવાદના ખાતમાનું વચન પીએમ મોદીએ પૂરું કર્યું હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે ભૌતિક નક્સલવાદનો અંત આવ્યો છે, પરંતુ હજુ પણ 'દિમાગી નક્સલવાદ'નો ખતરો સમાજ માટે ગંભીર પડકાર બનેલો છે.
