ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન દ્વારા આયોજિત 'મોક પાર્લામેન્ટ' અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ લાવવામાં આવેલા મોક મહાભિયોગના પ્રસ્તાવ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. શનિવારે સાંજે યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ વિપક્ષની આ કાર્યવાહીને લોકશાહીની મશ્કરી ગણાવી હતી. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જો વિપક્ષને સત્તા જ મેળવવી છે, તો તેઓ અસલી સંસદને તોડવાના બદલે તેમની 'મોક સંસદ'માં રાહુલ ગાંધીને કુર્તા-પાયામા પહેરાવીને વડાપ્રધાન તરીકે બેસાડી દે અને રોજ તેમના ગુણગાન ગાય.
ભાજપે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષી નેતાઓનો વાસ્તવિક હેતુ ચૂંટણી સુધારાઓ કે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવવાનો ક્યારેય નહોતો, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સત્તા પરિવર્તન કરવાનો છે. જનતા દ્વારા વારંવાર ચૂંટણીમાં નકારવામાં આવ્યા બાદ હવે કોંગ્રેસ આંદોલનો અને ખોટા વિવાદો ઊભા કરીને ગેરકાયદેસર રીતે સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ પક્ષ જ્ઞાનેશ કુમારને ચૂંટણી અનિયમિતતાઓના કેન્દ્રમાં ગણાવીને તેમને પદ પરથી હટાવવાની માગ કરી રહી છે, કારણ કે તાજેતરના અહેવાલો મુજબ વિશેષ સઘન પુનરાવર્તન (SIR) સાથે જોડાયેલા નિર્ણયો અન્ય કમિશનરોની જાણ વગર લેવાયા હતા.
આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપે લેફ્ટ-લીનિંગ વિદ્યાર્થી સંગઠન AISAના પ્રમુખ નેહા બોરા અને અન્ય વિપક્ષી નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોની પણ આકરી ટીકા કરી હતી. સંબિત પાત્રાએ બાંગ્લાદેશી કટોકટી અને ભારતની પરિસ્થિતિની સરખામણી કરતા ચેતવણી આપી હતી કે દેશમાં બાંગ્લાદેશ કે નેપાળ જેવી અસ્થિરતા ઊી કરવાના પ્રયાસો સાંખી લેવામાં નહીં આવે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત કોઈ 'બનાના રિપબ્લિક' નથી અને જે લોકો પાકિસ્તાન કે વિદેશી તાકાતો જેવું અરાજકતાવાદી વાતાવરણ સર્જવા ઈચ્છે છે, તેમની તે ભ્રમણા ક્યારેય પૂરી નહીં થાય.
