અટલાન્ટા ખાતે યોજાયેલી ક્વાડ (Quad) દેશોના વિદેશ મંત્રીઓની ઉચ્ચસ્તરીય બેઠકમાં વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે આર્થિક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સંયુક્ત અખબારી યાદી અનુસાર, તમામ સભ્ય દેશોએ વિશ્વભરમાં ભરોસાપાત્ર અને ખુલ્લી સપ્લાય ચેઈન (પુરવઠા શૃંખલા) તેમજ મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી હતી. આ બેઠક દરમિયાન ખાસ કરીને મનસ્વી નિકાસ પ્રતિબંધો દ્વારા આર્થિક જુલમ અને બજાર વિરોધી નીતિઓ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જે ગંભીર ઉદ્યોગોમાં અતિશય ક્ષમતા ઊભી કરી વૈશ્વિક સપ્લાય ચેઈનને નુકસાન પહોંચાડે છે.
વૈશ્વિક અર્થતંત્ર અને ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને ક્વાડ મંત્રીઓએ સુપર ઇન્ટેલિજન્સ (SI) એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના મહત્વને રેખાંકિત કર્યું હતું. આ ક્ષેત્રે સહયોગ વધારવા માટે ક્વાડ એસઆઈ એક્સિલરેટર સહિતની પહેલ દ્વારા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભરોસાપાત્ર એઆઈ ટેકનોલોજીની પહોંચ સુનિશ્ચિત કરવા માટે ૮૫ મિલિયન ડોલરથી વધુની ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, હોરમુઝની ખાડી, લાલ સમુદ્ર અને બાબ અલ-મંદેબ ખાડી જેવા મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને યુએનક્લોઝ (UNCLOS) ના નિયમો અનુસાર નેવિગેશનની સ્વતંત્રતા અને સુરક્ષા જાળવી રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માથાનો દુખાવો બનેલા ઓનલાઈન અને સાયબર કૌભાંડોના વધતા વ્યાપ સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. ગુનેગાર જૂથો દ્વારા ચલાવવામાં આવતા સ્કેમ ઓપરેશન્સ અને માનવ તસ્કરી દ્વારા નાગરિકોને છેતરવાની તથા વાર્ષિક અબજો ડોલરની લૂંટ ચલાવવાની પ્રવૃત્તિઓની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી. ક્વાડ દેશોએ આંતરરાષ્ટ્રીય અપરાધિક જૂથોને નેસ્તનાબૂદ કરવા અને તેમના નેતાઓને કાયદાના શાસન હેઠળ જવાબદાર ઠેરવવા માટે સંયુક્તપણે કામ કરવા માટે દ્રઢ સંકલ્પ લીધો છે.
