વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 'યુનિટી ડે' નિમિત્તે વિશાળ જનમેદનીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વિપક્ષનું કામ સરકારની નીતિઓનો વિરોધ કરવાનું અને પડકારવાનું છે, પરંતુ દુર્ભાગ્યવશ આજે વિપક્ષ એક 'અવરોધક પક્ષ' (અવરોધ પક્ષ) બની ગયો છે. છેલ્લા એક દાયકાથી સત્તાની નિરાશા અને હતાશામાં ડૂબેલા આ લોકો હવે ખુલ્લેઆમ દેશની વિકાસયાત્રામાં રોડા અટવાવાનું મુખ્ય રાજકારણ ચલાવી રહ્યા છે. તેઓ બંધારણની મર્યાદાઓ અને ગરિમાને ઠેસ પહોંચાડીને ભારત માતાના સંતાનો વચ્ચે ભેદભાવ અને સંઘર્ષ પેદા કરવાના ઘાતકી ષડયંત્રો રચી રહ્યા હોવાનું વડાપ્રધાને ઉમેર્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પરોક્ષ પ્રહાર કરતા વડાપ્રધાને વિદેશી ધરતી પર થતી ગુપ્ત મુલાકાતો અને ભારત વિરોધી તાકાતો સાથેની સાંઠગાંઠ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે ભારત વિરોધી ભાષા બોલનારા અને દેશના દુશ્મનો સાથે હાથ મિલાવનારા આ પેટર્નને ઓળખીને તેનો સંયુક્ત મુકાબલો કરવો પડશે. વધુમાં, સોશિયલ મીડિયાનો ઉપયોગ અફવાઓ ફેલાવવા અને વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવા માટે હથિયાર તરીકે થઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
દેશમાંથી ગરીબી હટાવવાના મુદ્દે વિપક્ષો પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે આઝાદી પછી માત્ર ગરીબી હટાવવાના નારા જ આપવામાં આવ્યા અને વોટો બટાવવામાં આવ્યા, પરંતુ વાસ્તવિકતા એ છે કે નારા આપનારાઓ જ વધુ ધનિક બનતા ગયા. વર્લ્ડ બેંકના અહેવાલને ટાંકતા તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં સરકારી કલ્યાણકારી યોજનાઓ, મફત અનાજ, પાકા મકાનો, સ્વચ્છ ઇંધણ અને આરોગ્ય વીમા જેવી પહેલોના કારણે ભારતના ૫૦ કરોડ લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ ઉપરાંત, દેશમાંથી નક્સલવાદના ખાતમાની વાત કરતા તેમણે ઉમેર્યું કે ભલે ભૌતિક નક્સલવાદનો અંત આવ્યો હોય, પરંતુ 'દિમાગી નક્સલવાદ'નો ખતરો હજુ પણ યથાવત છે જેનો મક્કમતાથી સામનો કરવો જરૂરી છે.
