ટેલિકોમ ક્ષેત્રે એક ક્રાંતિકારી બદલાવ લાવતા સરકાર દ્વારા 'કોલિંગ નેમ પ્રેઝન્ટેશન' (CNAP) ફીચર અમલમાં મૂકવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા શરૂ થવાથી મોબાઇલ યૂઝર્સને અજાણ્યા નંબરો પરથી આવતા ફ્રોડ કે પરેશાન કરતા કોલ્સથી મોટી રાહત મળશે. અત્યાર સુધી માત્ર ફોનમાં સેવ કરેલા નંબરોની જ ઓળખ થતી હતી, પરંતુ હવે અનસેવ્ડ નંબરો પરથી કોલ આવતી વખતે પણ ટેલિકોમ ડેટાબેઝના આધારે કોલ કરનારની સાચી ઓળખ સ્ક્રીન પર પ્રદર્શિત થશે. હાલના તબક્કે આ સુવિધા ૪જી અને તેનાથી ઉચ્ચ સ્તરના નેટવર્ક પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જ્યારે ૨જી, ૩જી અને લેન્ડલાઈન માટે આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવાશે.
આ નવી ટેક્નોલોજીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ સ્પષ્ટ અને સુરક્ષિત રાખવામાં આવી છે. જ્યારે પણ કોઈ નંબર પરથી કોલ આવશે, ત્યારે રિસીવરનું ટેલિકોમ નેટવર્ક કોલ કરનારના ઓપરેટરના ડેટાબેઝ સાથે કનેક્ટ થઈને નામ મેળવશે. જો નંબર યૂઝરના ફોનમાં સેવ હશે તો ફોનબુકનું નામ દેખાશે, અને જો નંબર સેવ નહીં હોય તો ટેલિકોમ રેકોર્ડમાં નોંધાયેલું નામ સ્ક્રીન પર આવશે. આ ઉપરાંત, વિદેશી કોલ્સ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સેવ કરેલા કોન્ટેક્ટ્સ હોવા છતાં વિદેશી નંબરો પર સ્ક્રીન પર માત્ર 'ઇન્ટરનેશનલ કોલ' જ લખેલું જોવા મળશે, જે સાયબર ફ્રોડ અટકાવવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે.
વ્યવસાયિક વપરાશકર્તાઓ અને બિઝનેસ કનેક્શન્સ માટે પણ સરકારે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. વેપારીઓ અને કંપનીઓ તેમના સબસ્ક્રાઈબર રેકોર્ડના સામાન્ય નામની જગ્યાએ ટ્રેડમાર્ક કે GST પ્લેટર્ન પર નોંધાયેલું તેમનું પ્રીફર્ડ (પસંદગીનું) નામ દર્શાવવા માટે અરજી કરી શકશે. જો કે, આ માટે ટેલિકોમ ઓપરેટરોએ કડક ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડ્યુ ડિલિજન્સ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. બીજી તરફ, ગોપનીયતા જાળવવા માંગતા નાગરિકો માટે અગાઉની માર્ગદર્શિકા મુજબ 'કોલિંગ લાઇન આઈડેન્ટિફિકેશન રેસ્ટ્રિક્શન' (CLIR) નો વિકલ્પ યથાવત રહેશે, જેથી જે યૂઝર્સ પોતાની ઓળખ છુપાવવા માંગતા હોય તેમનું નામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે નહીં.
