વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંજૂર કરાયેલ આ નવો 'નોર્ધન કોરિડોર' દિલ્હીથી શરૂ થઈને આગ્રા, કાનપુર, લખનૌ અને અયોધ્યા થઈને વારાણસી, પટણા અને છેક ગુવાહાટી સુધી લંબાવવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટના અમલીકરણથી ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી વચ્ચેની કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી બદલાવ આવશે. મુસાફરો હવે માત્ર ૫૯ મિનિટમાં દિલ્હીથી આગ્રા પહોંચી શકશે, જ્યારે દિલ્હીથી કાનપુરનું અંતર માત્ર ૧ કલાક અને ૪૫ મિનિટમાં પૂર્ણ થશે. આ સુવિધાથી લોકો સવારે દિલ્હીથી નીકળીને કાનપુરના પ્રખ્યાત 'ઠગ્ગુ કે લડ્ડુ' ની મજા માણીને પાછા દિલ્હી પોતાના કામ પર પણ પરત ફરી શકશે. મધ્યમ વર્ગ, યુવાનો અને નાના ઉદ્યોગસાહસિકો (MSME) માટે આ ટ્રેનો સમય અને શક્તિ બંનેની ભારે બચત સાબિત થશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રવાસ સમયમાં થનાર ઘટાડો અદ્ભુત છે, જેમાં દિલ્હીથી લખનૌ માત્ર ૨ કલાક ૧૨ મિનિટમાં અને વારાણસીથી પટણા માત્ર ૧ કલાકમાં સર કરી શકાશે. ખાસ કરીને પૂર્વાંચલના લોકોને તેનો સૌથી મોટો ફાયદો મળશે કારણ કે વારાણસીથી દિલ્હી હવે માત્ર ૩ કલાક ૩૩ મિનિટમાં પહોંચી શકાશે, જેના કારણે મુસાફરોને વિમાન મુસાફરી પર નિર્ભર રહેવું નહીં પડે. બુલેટ ટ્રેનની સાથે-સાથે રેલવે વિભાગ વંદે ભારત સ્લીપર ટ્રેનો દ્વારા રાત્રિની મુસાફરીને પણ વધુ આરામદાયક બનાવી રહ્યું છે. મુસાફરો રાત્રે બનારસથી નીકળીને સવાર સુધીમાં દિલ્હી પહોંચી શકશે અથવા તેનાથી વિપરીત લાંબા અંતરની સફર આરામથી ખેડી શકશે.
આ મેગા પ્લાનનો એક મહત્વપૂર્ણ ભાગ કાશી રેલવે સ્ટેશનનો વિકાસ પણ છે, જેને ઉત્તર અને પૂર્વોત્તર ભારતનું એક મુખ્ય ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે. 'નમો બ્રિજ' સાથે જોડાયેલા આ સ્ટેશનની ઉત્તર અને દક્ષિણ બંને બાજુએ ભવ્ય સુવિધાઓ ઊભી કરાઈ છે, જેમાં એક જ સમયે ૫૦,૦০০ થી વધુ મુસાફરો સમાઈ શકે તેવુ ફૂટબોલના મેદાન જેવડું વિશાળ વેઇટિંગ એરિયા સામેલ છે. સ્ટેશનની દક્ષિણ બાજુ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરથી માત્ર બે કિલોમીટરના અંતરે હોવાથી દેશ-વિદેશથી આવતા તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓ માટે મંદિર અને ઘાટો સુધી પહોંચવું અત્યંત સરળ બનશે. આ સમગ્ર યોજના આગામી એક સદી સુધી દેશના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
