દિલ્હી સરકાર દ્વારા ઘરેલું કામદારો પૂરી પાડતી તમામ ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ માટે નોંધણી પ્રક્રિયા અત્યંત કડક બનાવવામાં આવી છે. શ્રમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર જાહેર સૂચના મુજબ, આવી તમામ એજન્સીઓએ આગામી ૧૫ દિવસની અંદર 'ઈ-ડિસ્ટ્રિક્ટ' પોર્ટલ પર નોંધણી કરાવીને ફરજિયાતપણે લાયસન્સ મેળવવાનું રહેશે. દિલ્હી હાઈકોર્ટના નિર્દેશો અને વર્ષ ૨૦૧૪ના એક્ઝિક્યુટિવ ઓર્ડરના કડક અમલીકરણ માટે આ પગલું ભરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતો ઘરેલું કામદારોનું શોષણ અટકાવવાનો અને તેમને યોગ્ય તથા સુરક્ષિત કાર્યસ્થળ પૂરા પાડવાનો છે.
આ નવા નિયમો અંતર્ગત એજન્સીઓએ માત્ર નોંધણી જ નહીં, પરંતુ કામદારો અને નોકરીદાતા બંને માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે. જો કોઈ એજન્સી આ નિર્ધારિત નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેને ભારે આર્થિક દંડ તેમજ કાનૂની પરિણામો ભોગવવા પડશે. નિયમ ભંગ કરનાર એજન્સીને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, જે જમીન મહેસૂલ તરીકે વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત, એજન્સીનું લાયસન્સ રદ કરવા સાથે કાયદેસરની ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે જેથી ગેરકાયદેસર રીતે ચાલતી એજન્સીઓ પર લગામ કસી શકાય.
સામાન્ય જનતા અને નોકરીદાતાઓ માટે પણ વિશેષ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, જેમાં ઘરેલું સહાયકો રાખતા પહેલા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોને માત્ર રજિસ્ટર્ડ એજન્સીઓ દ્વારા જ કામદારો રાખવા અને હાયર કરતા પૂર્વે એજન્સીનું લાયસન્સ તથા કામદારનું પોલીસ વેરિફિકેશન ચોક્કસ ચકાસવા જણાવ્યું છે. આ ઉપરાંત, કામદારોના પગારની ચૂકવણી માત્ર બેંક ખાતા દ્વારા જ કરવાની રહેશે. મહિલાઓ અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા, દિલ્હી મહિલા આયોગ (DCW) અને બાળ કલ્યાણ સમિતિ (CWC) ને પણ આ મામલે વિશેષ સત્તાઓ સોંપવામાં આવી છે.
