પંજાબમાં સત્તાાસીન આમ આદમી પાર્ટી (AAP) એ આગામી વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. ચૂંટણીના પ્રારંભિક ચરણ રૂપે પાર્ટીએ ૪૦ ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માનનું નામ મોખરે છે, જેઓ પોતાની પરંપરાગત અને સુરક્ષિત ગણાતી ધુરી વિધાનસભા બેઠક પરથી જ ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. મુખ્યમંત્રીની ઉમેદવારી સાથે જ પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તેઓ મજબૂત નેતૃત્વ સાથે જનતા વચ્ચે જશે અને ગત ચૂંટણીની જેમ આ વખતે પણ પરિણામો લાવવા માટે કટિબદ્ધ છે.
આ મહત્વપૂર્ણ યાદીની જાહેરાત પહેલાં રાજધાની દિલ્હી ખાતે પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસ્થાને એક અત્યંત ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી ભગવંત માન, પંજાબ મામલાના પ્રભારી મનીષ સિસોદિયા સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મંથન બાદ જાહેર કરાયેલી યાદીમાં બાટાલાથી અમનશેર સિંહ (શેરી કલસી), અજનાલાથી કુલદીપ સિંહ ધાલીવાલ, અમૃતસર સાઉથથી ડૉ. ઇન્દરબીર સિંહ નિજ્જર અને પટિયાલાથી અજીતપાલ સિંહ કોહલી સહિતના દિગ્ગજો અને અનુભવી ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે પાર્ટીએ જીતની સંભાવના ધરાવતા ઉમેદવારો પર જ ભીંસ મૂકી છે.
જો કે, આ યાદી જાહેર થતાની સાથે જ પંજાબનું રાજકારણ ગરમાયું છે અને વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ મુદ્દે સવાલો ઉઠાવવા શરૂ કરી દીધા છે. ભાજપે આક્રમક રૂખ અપનાવતા એવો પ્રશ્ન કર્યો છે કે પંજાબના વર્તમાન શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસનું નામ આ પ્રથમ યાદીમાં કેમ સામેલ નથી કરવામાં આવ્યું? ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ મહિનાથી જ રાજ્યમાં ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને ભાજપ સતત હરજોત સિંહ બૈંસના રાજીનામાની માગણી કરી રહ્યું છે અને તેમના પર દબાણ વધારી રહ્યું છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.
