કેલિફોર્નિયાના મોરિસ વોસ નામના એક સામાન્ય હેરડ્રેસરે પોતાની મહેનત અને શેરબજારની સૂઝબૂઝથી અંદાજે ૧૯ મિલિયન ડૉલરનું મસમોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેમણે ૧૯૬૦ના દાયકાથી રોકાણ શરૂ કર્યું હતું અને સિત્તેરના દાયકાથી સ્ટોક ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરીને પોતાની સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો કર્યો હતો. જીવનભર બાર્બર તરીકે કામ કરનાર વોસે પોતાની આ સંપત્તિ પરિવાર માટે ટ્રસ્ટના માધ્યમથી છોડી હતી. જો કે, તેમના વૃદ્ધાવસ્થાના અંતિમ વર્ષોમાં તેમની માનસિક સ્થિતિ અને સ્મરણશક્તિ નબળી પડવા લાગી હતી, જેના કારણે તેમની નાણાકીય બાબતોના સંચાલન પર ગંભીર સવાલો ઊભા થયા હતા.
પરિવારના આક્ષેપ મુજબ, મોરિસ વોસની બૌદ્ધિક ક્ષમતા ઘટી રહી હોવા છતાં તેમના નાણાકીય સલાહકાર જ્હોન પ્રિવિટેલી અને મોર્ગન સ્ટેન્લી ફર્મે ઉચ્ચ જોખમવાળા ટ્રેડિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને કમિશન વસૂલવાનું જારી રાખ્યું હતું. ૨૦૧૦ અને ૨૦૧૧ દરમિયાન પરિવારે સલાહકારને વોસની માનસિક અસ્થિરતા અને યાદશક્તિ નબળી પડવા અંગે ઈમેલ દ્વારા સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી. નીચલી અલાદતે અગાઉ એ તર્ક આપીને કેસ ફગાવી દીધો હતો કે તે સમયગાળા દરમિયાન ખાતામાં આર્થિક નફો થયો હતો, પરંતુ કેલિફોર્નિયાની અપીલેટ કોર્ટે આ ચુકાદાને ફગાવી દીધો છે અને કાનૂની લડતને નવો વેગ આપ્યો છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર રોકાણમાં નફો થયો હોવાના કારણે ફાઇનાન્શિયલ એડવાઇઝર કે કંપની વયોવૃદ્ધ વ્યક્તિના સંભવિત જોખમો અને શોષણની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી નથી. જો સલાહકારને વૃદ્ધ ગ્રાહકની માનસિક સ્થિતિની જાણ હોય તો પણ જોખમી નિર્ણયો લેવા તે કાયદાકીય રીતે તપાસનો વિષય બને છે. આ મહત્ત્વપૂર્ણ ચુકાદા સાથે હવે આ કેસ વધુ કાર્યવાહી માટે પાછો મોકલવામાં આવ્યો છે, જેના કારણે દાયકાઓથી ચાલી આવતી આ કાનૂની લડતમાં નવો વળાંક આવ્યો છે અને નાણાકીય સલાહકારોની જવાબદારી પર ફરીથી ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે.
