બેંગલુરુમાં રહેતા રામશ્રી ગૌતમ ગોલ્લા નામના સોશિયલ મીડિયા યુઝરે તાજેતરમાં એક ચોંકાવનારો દાવો કર્યો છે કે તેમનું ચાર સભ્યોનું પરિવાર (બે પુખ્ત વયના અને બે બાળકો) ઘરમાં જ ભોજન તૈયાર કરવા છતાં માત્ર કરિયાણા અને ખાદ્ય સામગ્રી પાછળ દર મહિને ૬૦,૦૦૦ થી ૮૦,૦૦૦ રૂપિયા ખર્ચે છે. અઠવાડિયામાં માત્ર બે વાર માંસાહાર લેતા હોવા છતાં આટલો મોટો માસિક ખર્ચ થવાથી તેમણે "આ મોંઘવારીમાં બધા કેવી રીતે ગુજરાન ચલાવી રહ્યા છે?" તેવો સવાલ ઉઠાવ્યો હતો. આ પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર વિવિધ શહેરોમાંથી લોકોએ પોતાના માસિક બજેટના અનુભવો શેર કરવા શરૂ કર્યા હતા, જેનાથી શહેરી વિસ્તારોમાં વધતી મોંઘવારી અને જીવનશૈલીના ખર્ચ વિશે એક નવો જ સંવાદ શરૂ થયો છે.
લોકોના મનમાં એ સવાલ સ્વાભાવિક હતો કે માત્ર ચાર સભ્યોના પરિવારનું કરિયાણું આટલું મોઘું કેમ હોઈ શકે? આ પ્રશ્નના જવાબમાં ગોલ્લાએ પોતાના ખર્ચનું વિગતવાર વિશ્લેષણ રજૂ કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, પરિવાર રોજની દસ ઇંડાની ખપત પાછળ દર મહિને આશરે ૩,૦૦૦ રૂપિયા, દૂધ પાછળ ૨,૦૦૦ થી ૩,૦૦૦ રૂપિયા અને અઠવાડિયામાં બે વાર લાવવામાં આવતા માંસ પાછળ ૬,૦۰۰ થી ૮,૦૦૦ રૂપિયા ખર્ચે છે. આ ઉપરાંત ડોસા-ઇડલીનું બેટર, ૮૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા, ૨૦૦ થી ૪૦0 રૂપિયા પ્રતિ કિલો સુધી મળતા ફળો તેમજ શાકભાજી, ડ્રાયફ્રુટ્સ અને ચાના પાઉડર જેવી પાયાની વસ્તુઓનો ખર્ચ મળીને કુલ રકમ આકાશને આંબે છે. આ વિગતો સામે આવ્યા બાદ કેટલાક યુઝર્સને મોંઘવારીનો વાસ્તવિક અંદાજ આવ્યો, તો કેટલાક લોકોએ આટલા મોટા ખર્ચ સામે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું.
આ ચર્ચા દરમિયાન સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા હતા, જ્યાં ઘણા પરિવારોએ પોતપોતાના બજેટના આંકડા રજૂ કરીને દર્શાવ્યું કે ખર્ચ વ્યક્તિગત પસંદગી અને જીવનશૈલી પર આધાર રાખે છે. મુંબઈના એક પરિવારે ચાર સભ્યો અને એક પાલતુ પ્રાણી પાછળ રોજિંદા માંસાહાર સાથે ૫૦,૦૦૦ રૂપિયાનો માસિક ખર્ચ થતો હોવાનું જણાવ્યું, જ્યારે અન્ય કેટલાક યુઝર્સે દાવો કર્યો કે પ્રીમિયમ ચીજવસ્તુઓ ખરીદવા છતાં ચાર લોકોનું કિચન બજેટ ૧૫,૦૦૦ થી ૩૦,૦૦૦ રૂપિયાની અંદર સંભાળી શકાય છે. આ ચર્ચા એ વાત સાબિત કરે છે કે માત્ર પરિવારની સભ્યસંખ્યા સરખી હોવાથી ખર્ચ સરખો નથી થતો, પરંતુ ખાણીપીણીની ટેવો, ખરીદી કરવાની જગ્યા અને ગુણવત્તાના આગ્રહ પ્રમાણે માસિક ખર્ચમાં મોટો તફાવત જોવા મળે છે.
