અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS બસોના ચાલકોની લાપરવાહી અને બેફામ ડ્રાઇવિંગ શહેરીજનોના જીવન માટે જોખમી સાબિતી બની રહ્યા છે. તાજેતરની આ ઘટના શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નારણપુરાના પલ્લવ ચાર રસ્તા અને સહજાનંદ ચોક વચ્ચે બની હતી. હાટકેશ્વરથી ગોતા તરફ જઈ રહી રૂટ નંબર ૧૬૦ ની AMTS બસના ચાલકે ટ્રાફિક વચ્ચે પણ પૂરપાટ ઝડપે વાહન હંકારીને આગળ જઈ રહેલા એક બાઈકચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ પ્રચંડ ટક્કરને કારણે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચાલક ઉછળીને સીધો બસના પાછળના તોતિંગ વ્હીલ નીચે આવી ગયો હતો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.
અકસ્માત બાદ ઘટનાસ્થળે સર્જાયેલી અફરાતફરી વચ્ચે સ્થાનિક રાહદારીઓ અને વેપારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બસ નીચે ફસાયેલા યુવકને બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેની પ્રારંભિક સારવાર ચાલી રહી છે પરંતુ હાલ તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર હૃદયદ્રાવક ઘટના આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેમાં બસ ચાલકની ઓવરસ્પીડ અને સ્પષ્ટ બેદરકારી ઉજાગર થઈ રહી છે જેને લઈને સ્થાનિક નાગરિકો અને રાહદારીઓમાં AMTS તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 'બી' ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુએ ખસેડીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને લોકરોષ વચ્ચે બસ ડ્રાઇવરની અટકાયત કરી લીધી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના પુરાવાઓને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવીને ગંભીર અકસ્માત સર્જવા બદલ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
