JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

નાગાલેન્ડ પહોંચેલા ગુજરાતી પ્રવાસીઓનો વીડિયો વાયરલ, દઝુકોઉ ખીણની સુંદરતાને ગણાવ્યું ધરતીનું સ્વર્ગ

Oct 31, 2026 | 13:00 | By JAMNAGAR MIRROR
નાગાલેન્ડ પહોંચેલા ગુજરાતી પ્રવાસીઓનો વીડિયો વાયરલ, દઝુકોઉ ખીણની સુંદરતાને ગણાવ્યું ધરતીનું સ્વર્ગ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ગુજરાતથી નાગાલેન્ડ પહોંચેલા પ્રવાસીઓએ રાજ્યની હરિયાળી અને પહાડોના મુક્તકંઠે વખાણ કર્યા છે. દઝુકોઉ ખીણ તરફ જઈ રહેલા આ પ્રવાસીઓએ આ અદ્ભુત સ્થળને ધરતી પરનું સ્વર્ગ ગણાવ્યું છે.

ભારતમાં પર્યટન ક્ષેત્રે ઉત્તરાખંડ, હિમાચલ કે ગોવા જેવા લોકપ્રિય સ્થળો ઉપરાંત પૂર્વોત્તર ભારતના રાજ્યો પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે, જોકે તેમાંથી ઘણા સ્થળો હજુ પણ પ્રવાસીઓની નજરથી અજાણ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર નાગાલેન્ડનો એક એવો જ વીડિયો વાયરલ થયો છે, જેમાં ગુજરાતથી આવેલા પ્રવાસીઓ આ પૂર્વોત્તર રાજ્યના પ્રાકૃતિક સૌંદર્યથી મંત્રમુગ્ધ થઈને તેના વખાણ કરતા નજરે પડે છે. ગુજરાતના મેદાની વિસ્તારોમાંથી આવેલા આ પ્રવાસીઓ માટે નાગાલેન્ડના પહાડો, આહ્લાદક વાતાવરણ અને ઝરણાંનો અનુભવ એકદમ નવો અને રોમાંચક હતો, જેને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયા સમક્ષ રજૂ કર્યો છે.

આ પ્રવાસીઓ નાગાલેન્ડ અને મણિપુરની સરહદ પર આવેલી પ્રખ્યાત દઝુકોઉ ખીણ (Dzukou Valley) તરફ ટ્રેકિંગ માટે જઈ રહ્યા હતા. સમુદ્ર સપાટીથી આશરે ૮,૦00 ફૂટની ઊંચાઈએ આવેલી આ ખીણ તેના વિશાળ પહાડી મેદાનો, મોસમી ફૂલો અને કુદરતી નજારાઓ માટે સાહસિક પ્રવાસીઓમાં વિશેષ લોકપ્રિયતા ધરાવે છે. રસ્તામાં એક સ્થાનિક વ્યક્તિ સાથે થયેલી વાતચીત દરમિયાન ગુજરાતી પ્રવાસીઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ એવી જગ્યાએ આવી પહોંચ્યા છે જેને સાચા અર્થમાં 'ધરતી પરનું સ્વર્ગ' કહી શકાય. ભીડભાડથી દૂર કુદરતની ગોદમાં શાંતિની પળો વિતાવવા માટે આ સ્થળ ઉત્તમ હોવાની વાત પણ તેમણે પ્રવાસ દરમિયાન કરી હતી.

આ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર @Nagaland_India હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રીને પણ ટેગ કરીને પ્રવાસન વિકાસ માટે અપીલ કરાઈ છે. આ વીડિયોને લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને દેશના એક છેડેથી આવેલા પ્રવાસીઓ બીજા છેડાના રાજ્યની સંસ્કૃતિ તથા સુંદરતાને આ રીતે સ્વીકારીને વખાણી રહ્યા છે તેને યુઝર્સ દ્વારા ખૂબ આવકારવામાં આવી રહ્યો છે. આ નાની એવી મુલાકાત અને વાતચીતે માત્ર નાગાલેન્ડના પ્રવાસન ક્ષેત્રને જ નહીં, પરંતુ ભારતીય વિવિધતામાં એકતા અને આંતર-રાજ્ય પ્રવાસનના મહત્વને પણ સુંદર રીતે ઉજાગર કર્યું છે.

LATEST ARTICLES