JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ગાંધીનગરના કરાઈમાં રૂ. 1,450 કરોડના ખર્ચે આકાર લેશે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી

Oct 31, 2026 | 10:40 | By JAMNAGAR MIRROR
ગાંધીનગરના કરાઈમાં રૂ. 1,450 કરોડના ખર્ચે આકાર લેશે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી
વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીના લક્ષ્ય સાથે ગુજરાત સરકારે ગાંધીનગરના કરાઈ ખાતે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો ભવ્ય અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રમતગમત ક્ષેત્રના માળખાને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની તૈયારીઓના ભાગરૂપે, ગાંધીનગર નજીક કરાઈ ખાતે અંદાજે રૂ. 1,450 કરોડના જંગી ખર્ચે એક ભવ્ય સ્પોર્ટ્સ સિટી વિકસાવવામાં આવશે. આ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક જ કેમ્પસ હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં રમતગમતનાં મેદાનો, ખેલાડીઓ માટે અત્યાધુનિક રહેણાંક વ્યવસ્થાઓ અને ઉચ્ચ સ્તરીય તાલીમ કેન્દ્રો ઊભા કરવામાં આવશે, જે ઓલિમ્પિક અને પેરાલિમ્પિકના ધોરણોને સંપૂર્ણપણે અનુરૂપ હશે.

પ્રસ્તાવિત કરાઈ સ્પોર્ટ્સ એકેડમીમાં એથ્લેટિક્સ સ્ટેડિયમ, 10, 25 અને 50 મીટરની અદ્યતન ઇન્ડોર શૂટિંગ રેન્જ તેમજ મલ્ટીપર્પઝ વેઇટલિફ્ટિંગ એરેના જેવી મુખ્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટને ચોક્કસ સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સરકારે કડક આયોજન કર્યું છે, જેમાં શૂટિંગ રેન્જનું કામ 18 મહિનામાં, એથ્લેટિક્સ સ્ટેડિયમ અને વેઇટલિફ્ટિંગ એરેનાનું કામ 30 મહિનામાં જ્યારે બાકીના વિકાસકાર્યો 36 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. કામગીરીમાં પારદર્શિતા અને વેગ જળવાઈ રહે તે માટે સમયસર કામ પૂરું કરનાર એજન્સીને મહત્તમ 3% સુધીનું બોનસ અને વિલંબ કરનારને દંડ કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

આ પ્રોજેક્ટની સૌથી વિશેષ બાબત એ છે કે નિર્માણ કરનાર એજન્સી જ આગામી સાત વર્ષ સુધી વીજળી, સુરક્ષા, સફાઈ, ફાયર સેફ્ટી અને સાધનોની જાળવણી સહિતના તમામ સંચાલનની જવાબદારી સંભાળશે, જેમાં કામગીરીના ધોરણો (KPI) આધારે જ માસિક ચુકવણી થશે. કરાઈ ખાતે આકાર લેનાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માત્ર ગુજરાતના યુવા ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ મેળવવાનું ઉત્તમ કેન્દ્ર સાબિત થશે, જેનાથી ભવિષ્યમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્પર્ધાઓના આયોજનનો માર્ગ વધુ પ્રશસ્ત બનશે.

LATEST ARTICLES