ભારતીય અવસારી સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા તાજેતરમાં રાત્રે કરવામાં આવેલ GSLV-F18 મિશનનું સફળ પ્રક્ષેપણ દેશ માટે એક સીમાચિહ્ન સમાન સાબિત થયું છે. આ મિશન અંતર્ગત સ્વદેશી રીતે નિર્મિત અણુ ઘડિયાળ તેમજ અન્ય અદ્યતન ઘડિયાળો ધરાવતા NVS-03 નેવિગેશન સેટેલાઇટને સફળતાપૂર્વક અવકાશમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. અગાઉ તકનીકી કારણોસર અને સેટેલાઇટ નિષ્ક્રિય થવાને કારણે ભારતની સ્વદેશી જીપીએસ સિસ્ટમ 'નાવિક' (NaVIC) માત્ર ત્રણ જ સક્રિય ઉપગ્રહો પર સીમિત રહી ગઇ હતી, જેના કારણે તે ઓપરેશનલ ધોરણે કામ કરી શકી નહોતી. હવે આ નવા સેટેલાઇટના ઉમેરાથી 'નાવિક'નું ક્લસ્ટર પૂરું થઈ ગયું છે અને તે માત્ર નાગરિક ઉપયોગ માટે જ નહીં પરંતુ દેશની સુરક્ષા એજન્સીઓ માટે પણ સંપૂર્ણપણે ધબકતી થઈ ગઈ છે.
આ સફળતા અગાઉ ભારતીય સુરક્ષા દળો મિસાઈલ નેવિગેશન, દરીયામાં યુદ્ધજહોની ચોકસાઈપૂર્વક ગોઠવણ અને સૈનિકોની હિલચાલ માટે અમેરિકાના જીપીએસ કે રશિયાના ગ્લોનાસ (GLONASS) જેવા વિદેશી નેવિગેશન સિસ્ટમ્સ પર નિર્ભર રહેવું પડતું હતું. ઇતિહાસ સાક્ષી છે કે કારગીલ યુદ્ધ દરમિયાન દેશે વિદેશી જીપીએસ સિસ્ટમની મર્યાદાઓ અને જોખમો અનુભવ્યા હતા, જ્યાં યુદ્ધ કે કટોકટીના સમયે આવી વિદેશી પ્રણાલીઓની એક્સેસ મર્યાદિત કે સંપૂર્ણ બંધ કરી દેવાનું જોખમ રહેલું છે. હવે NVS-03 ના પ્રક્ષેપણથી ભારત આ પ્રકારની વિદેશી નિર્ભરતામાંથી મુક્ત થઈને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી ચૂક્યું છે, જે આપણા સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત આવશ્યક પગલું છે.
આધુનિક યુદ્ધકળામાં બેલિસ્ટિક મિસાઇલો અને પ્રિસિઝન-ગાઇડેડ હથિયારોને સચોટ લક્ષ્ય સાધવા માટે ચોક્કસ પોઝિશનિંગ, નેવિગેશન અને ટાઈમિંગ (PNT) સિગ્નલોની અનિવાર્ય જરૂરિયાત રહે છે. મૂળ સાત સેટેલાઇટના નેટવર્ક સાથે કલ્પાયેલી 'નાવિક' પ્રણાલી હવે પૂરતી સજ્જ થતાં ભારતીય સશસ્ત્ર દળોને કોઈ પણ બાહ્ય દખલ વિના સુરક્ષિત, અત્યંત સચોટ અને ભરોસાપાત્ર ડેટા ઉપલબ્ધ થશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ સહિતના અગ્રણીઓએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. આ સિદ્ધિ માત્ર અવકાશ વિજ્ઞાનમાં ભારતની વધતી જતી તાકાત દર્શાવતી નથી, પરંતુ દેશના ડ્રીમ પ્રોજેક્ટ્સને સાકાર કરવાની દિશામાં વિક્રમ સારાભાઈ અને સતીશ ધવન જેવા દૂરદર્શીઓના સપનાઓને પણ સાર્થક કરે છે.
