વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ખેડૂતોના આર્થિક સશક્તિકરણને વેગ આપવાના હેતુસર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાના વિતરણ અર્થે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની ચાર જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા આઠ પસંદગીના ગામોમાં આ સામૂહિક નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ થકી કરજણ તાલુકાના અંદાજે 99 ગામોના પી.એમ. કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને યોજનાકીય લાભો પહોંચાડવામાં આવ્યા હતા અને અન્નદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠાના ભીલડી ખાતેથી કરવામાં આવેલા 24મા હપ્તાના વિતરણ અને તેમના પ્રેરણાદાયી સંબોધનનું જીવંત પ્રસારણ હતું, જેને ઉપસ્થિત ખેડૂતોએ મોટી સ્ક્રીન પર નિહાળ્યું હતું. આ જીવંત પ્રસારણના માધ્યમથી ખેડૂતોને દેશભરના કૃષિ ક્ષેત્રના વિકાસ, આધુનિક ખેતીની પદ્ધતિઓ અને સરકાર દ્વારા ખેડૂત કલ્યાણાર્થે ચલાવવામાં આવી રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ હતી, જે ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી.
નારેશ્વર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કરજણ-શિનોરના લોકપ્રિય ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, કરજણ તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન રણા સહિતના અનેક આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને ભાજપ સંગઠનના અગ્રણીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેડૂતોને સરકારની કૃષિલક્ષી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને આ પ્રકારના આયોજનોથી ખેડૂતોને સરકારની સીધી સહાય તથા નીતિઓની સચોટ માહિતી ઘરઆંગણે જ મળી રહે છે તેવો સૂર વ્યક્ત કરાયો હતો.
