વલસાડ નગર પાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલના અધ્યક્ષસ્થાને મળેલી ફરજિયાત સામાન્ય સભા શરૂઆતથી જ ખાસ્સી તોફાની રહી હતી. શાસક પક્ષના જ મહિલા સભ્ય જ્યોત્સનાબેન રાઠોડે ગત સભાની મિનિટ્સ સભ્યોને છેક ત્રણ મહિના પછી મળવા સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. આ બાબતને સમર્થન આપતા અન્ય મહિલા સભ્ય સોનલબેન પટેલે ગંભીર આક્ષેપ કર્યો હતો કે મિનિટ્સ મોડી બનવાના કારણે પાલિકાના વિકાસકીય કાર્યો એક-એક વર્ષ સુધી વિલંબમાં મુકાય છે. આ મોડા વહીવટના લીધે કોન્ટ્રાક્ટરો દ્વારા સમય વીત્યા બાદ ડામર અને કપચીના ભાવ વધારાના નામે વધારાના નાણાં માંગવામાં આવે છે, જેનાથી આખરે સરકારી તિજોરીને વ્યાપક આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
સભાની બેઠકમાં સૌથી મોટો વિવાદ ધમડાચી ગામે આકાર લઈ રહેલા મોડેલ ફાયર સ્ટેશનના બાંધકામને લઈને સર્જાયો હતો. કાયદા કમિટીના ચેરમેન નિતેશભાઇ વશીએ આ મામલે તંત્રને આડે હાથ લેતા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે જ્યારે આ જમીન હજુ સુધી પાલિકાના નામે થઈ નથી અને કબ્જો પણ નથી મળ્યો, તો પછી પાલિકાના બાંધકામ એન્જિનિયર નગ્માબેને કયા અધિકાર હેઠળ ચીફ ઓફિસરની સહી કરીને ખાનગી જમીનમાલિકોને સરકારી જમીનમાંથી રસ્તો આપવાની બાંહેધરીનો પત્ર આપી દીધો? આ ઉપરાંત, ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ફાયર સ્ટેશનનો નકશો નામંજૂર કરવા છતાં સ્થળ પર 90 ટકા બાંધકામ પૂરું કરી દેવાયાના મુદ્દે પણ સત્તાવાળાઓ સામે સવાલોના તીર છૂટ્યા હતા.
વશીએ વધુમાં રજૂઆત કરી હતી કે પાલિકાને ફાળવાયેલી જમીનમાંથી આશરે 40 ટકા જેટલો હિસ્સો બાજુના એફ.સી.આઈ. ગોડાઉન દ્વારા દબાવી રાખવામાં આવ્યો હોવા છતાં પાલિકાએ તેનો કબજો કેમ ન મેળવ્યો? આ તમામ આક્રમક પ્રશ્નો સામે ચીફ ઓફિસરે માત્ર 'તપાસ કરીને જણાવીશું' તેવું ગોળગોળ કહીને મામલો સમેટવાનો પ્રયાસ કર્યો હતો. સભ્યોએ રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ શહેરમાં સરકારી જમીનો પરના દબાણો ત્વરિત હટાવવા અને માપણીની પ્રક્રિયા ઝડપી બનાવવા ભારપૂર્વક માંગ કરી હતી. જોકે, આ તમામ વિવાદો અને હોબાળા વચ્ચે સભાના એજન્ડા પરના અગત્યના ૩૫ જેટલા કામો પર કોઈ જ પ્રકારની ચર્ચા કર્યા વિના જ તેને મંજૂર કરી દેવાયા હોવાની જાહેરાત કરાતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.
