કાલોલ તાલુકાના ઘુસર, ભૈરવની મુવાડી અને અગાશીની મુવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી વહેતી ગોમા નદીના પટમાંથી છેલ્લા કેટલાક સમયથી બેફામપણે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું હતું. આ વિસ્તારમાં રેતી ભરીને દોડતા ઓવરલોડ ભારે વાહનોની અવરજવરને કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો હતો. ખેતરોને નુકસાન થવાની સાથે રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ રહી હતી, જેના કારણે સ્થાનિકો અને ગ્રામ પંચાયત દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવીને મામલતદાર સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.
લોકોની આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને ગોધરા પ્રાંત અધિકારીની કડક સૂચના અનુસાર મામલતદારની ટીમે તાત્કાલિક ધોરણે એક્શન પ્લાન અમલમાં મૂક્યો હતો. આ કાર્યવાહીના ભાગરૂપે ઘુસર, ભૈરવની મુવાડી અને અગાશીની મુવાડી પાસેથી ગોમા નદી તરફ જતા ચાર મહત્વપૂર્ણ રસ્તાઓ જેસીબી મશીનની મદદથી મોટા મોટા ખાડા ખોદીને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લેવાયેલા આ આક્રમક પગલાંથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અને નદી પટમાં જતા ભારે વાહનોના વ્હીલ્સ પર સીધો અંકુશ આવી ગયો છે.
માત્ર રસ્તા બંધ કરવા પૂરતું સીમિત ન રહેતા, તંત્રએ ઓવરલોડ વાહનોથી રસ્તા પર ફેલાતી રેતીની સમસ્યાને પણ ગંભીરતાથી લીધી છે. રેતી વહન કરતી વખતે માર્ગો પર ઢોળાતી રેતીના કારણે અગાઉ બાઈકચાલકો અને રાહદારીઓ માટે ગંભીર અકસ્માતોનું જોખમ ઊભું થતું હતું, જેને લઈને મામલતદાર કચેરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી માર્ગોની સાફસફાઈ કરવા કડક સૂચનાઓ જારી કરી છે. જોકે, રસ્તા ખોદી નાખવાના આ કામચલાઉ પગલાં બાદ રેતી ખનન પર કાયમી ધોરણે રોક લગાવવામાં વહીવટી તંત્ર કેટલું સફળ રહે છે અને આગામી દિવસોમાં ખનન માફિયાઓ સામે કેવા સચોટ દાખલારૂપ પગલાં ભરાય છે તે હવે જોવું રહ્યું.
