ઘટનાની વિગતો મુજબ, સંજેલી તાલુકાના વાણીયા ઘાટી જંગલ વિસ્તાર નજીક આવેલા ડાભી ફળિયામાં આ બનાવ બન્યો હતો. ગત રાત્રિના સુમારે ખોરાક અને પાણીની શોધમાં જંગલમાંથી બહાર આવેલો દીપડો અંધારામાં જોઈ ન શકવાના કારણે અંદાજે ૨૫ ફૂટ જેટલા ઊંડા નવા બનેલા કૂવામાં પડી ગયો હતો. સવારના સમયે આ બાબતની જાણ આસપાસના ગ્રામજનોને થતા જ વાયુવેગે આ સમાચાર સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. દીપડાને કૂવામાં પડેલો જોવા માટે મોટી સંખ્યામાં આજુબાજુના લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા, જેના કારણે સુરક્ષાને ધ્યાને રાખી વન વિભાગે ત્વરિત પગલાં લેવાયા હતા.
બનાવની ગંભીરતાને પારખીને સંજેલી રેન્જ અધિકારી સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભીડને નિયંત્રિત કરવા અને દીપડા પર નજર રાખવા માટે વન કર્મચારીઓને કૂવાની આસપાસ વોચમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. વન અધિકારીઓએ માનવીય અભિગમ દાખવીને કૂવામાં ફસાયેલા દીપડાની ભૂખ મટાડવા માટે તાત્કાલિક ખોરાક અને પાણીની પૂરતી વ્યવસ્થા પણ કરી હતી. ખાસ નોંધનીય છે કે હાલ વન વિભાગના અધિકારીઓની હડતાળ ચાલી રહી હોવા છતાં, કર્મચારીઓએ પોતાની ફરજ અને વન્યજીવ સંરક્ષણની જવાબદારીને પ્રાથમિકતા આપીને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખી હતી.
પરિસ્થિતિની નાજુકતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમે સ્થાનિક સામાજિક સંસ્થાની મદદ લેવાનું નક્કી કર્યું હતું. વન કર્મચારીઓ અને સામાજિક સંસ્થાના સહિયારા પ્રયાસોથી એક આયોજનબદ્ધ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ કૂવામાં ફસાયેલા આ વન્યજીવને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના અત્યંત સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. દીપડાનું સફળ રેસ્ક્યુ થવાથી વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને સુરક્ષિત બહાર આવેલા દીપડાને તેના કુદરતીવાસ એટલે કે જંગલમાં પરત છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
