ગોધરા ખાતે આવેલા ભવ્ય સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આજે પંચમહાલ જિલ્લા કક્ષાના 'પી.એમ. કિસાન ઉત્સવ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતા અને રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ મહત્વપૂર્ણ સમારોહમાં જિલ્લાના ૨.૦૨ લાખથી વધુ અન્નદાતાઓના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તા પેટે કુલ રૂા. ૪૦.૬૧ કરોડની માતબર રકમ સીધી જમા કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વિશેષોએ જણાવ્યું હતું કે આ ઉત્સવ માત્ર આર્થિક સહાયનો નથી, પરંતુ દેશની અન્ન વ્યવસ્થા અને કૃષિ સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો એક ઉત્સવ છે.
આ કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના મુખ્ય સમારોહમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરણાદાયી વર્ચ્યુઅલ ઉદ્બોધનને ઉપસ્થિત તમામ ખેડૂતો અને અધિકારીઓએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના વક્તવ્યમાં સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અને તેમની આર્થિક સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે નવીન ટ્રેક્ટર ખરીદી સહાય અને અન્ય કૃષિ એસેટ ખરીદી સહાયના મંજૂર થયેલા ચેક્સ તથા આદેશોનું હસ્તે કરીને વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સંબોધિત કરતા રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારે વર્તમાન સમયની સૌથી મોટી ચિંતા સમાન સ્વાસ્થ્ય અને કૃષિ પદ્ધતિઓ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજની યુવા પેઢીમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવા ગંભીર રોગોના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ રાસાયણિક ખાતરો અને ઝેરી પેસ્ટીસાઇડ્સનો અતિશય ઉપયોગ છે. આ હાનિકારક રસાયણો માત્ર આપણી ફળદ્રુપ જમીનને જ બરબાદ નથી કરી રહ્યા પરંતુ માનવ જીવનને પણ જોખમમાં મૂકી રહ્યા છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી એ વર્તમાન સમયની અનિવાર્ય માંગ છે. આ ભવ્ય અવસરે જિલ્લા કલેક્ટર અજય દહિયા, ડીડીઓ પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલા ખેડૂતો સહિતના અન્નદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
