બનાસકાંઠાના ભાભડી ખાતે અંદાજે રૂા. ૧૪,૦00 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 'ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' (BBBRC) ની ભેટ આપ્યા બાદ વિશાળ જનમેદનીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર દેશ એક થઈને 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે આગળ વધી રહ્યો છે, ત્યારે કેટલાક લોકોને આ પ્રગતિ આંખમાં ખૂંચી રહી છે. આ તત્વો દેશને કાયમ માટે કટોકટીમાં રાખવા માંગે છે અને દેશ મુશ્કેલીમાં મુકાય ત્યારે તેઓ ખુશી મનાવે છે. ઈરાન અને મધ્યપૂર્વના સંઘર્ષના આ વૈશ્વિક પ્રવાહો વચ્ચે જ્યારે દેશ આર્થિક સ્થિરતા જાળવવા પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે રાજકીય વિરોધીઓ જનતામાં ભય ફેલાવવાનું નિંદનીય કામ કરી રહ્યા છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા ખેડૂતોને ખાતર નહીં મળે, બહેનોને રસોઈ માટે ગેસ નહીં મળે અને બાળકોશાળાએ જઈ શકશે નહીં તેવી પાયાવિહોણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ તમામ પ્રવૃત્તિઓનો હેતુ માત્ર અને માત્ર દેશભરમાં અરાજકતાનું વાતાવરણ ઊભું કરીને તેમને વ્યક્તિગત રીતે બદનામ કરવાનો જ હતો. વૈશ્વિક બજારોમાં રસાયણો અને ખાતરના ભાવોમાં ભારે ઉછાળો આવ્યો હોવા છતાં, કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને ખાતરોની અછત વર્તાવા દીધી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં જે યુરિયાની થેલીની કિંમત આશરે રૂા. ૩,૦૦૦ થાય છે, તે ભારતીય ખેડૂતોને માત્ર રૂા. ૩૦૦ થી ઓછા ભાવે પૂરી પાડવામાં આવી રહી છે અને DAP નો વૈશ્વિક ભાવ રૂા. ૫,૦00 હોવા છતાં ખેડૂતોને તે માત્ર રૂા. ૧,૩૫૦ માં જ ઉપલબ્ધ કરાવીને સરકારે સમગ્ર આર્થિક ભારણ જાતે જ ઉઠાવ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખાર્ગેના તાજેતરના નિવેદન અને રાજકીય વિવાદ વચ્ચે વડાપ્રધાને પોતાના મક્કમ મનોબળનું પુનરાવર્તન કરતા જાહેરાત કરી હતી કે તેઓ પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી જનતાની સેવા કરવાનું ચાલુ રાખશે. તેમણે દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે ગમે તેવી વૈશ્વિક કટોકટી કે રાજકીય પડકારો સામે આવે, સરકાર જનતાની પડખે મજબૂતાઈથી ઊભી છે. નાગરિકોના રોજિંદા જીવન પર કોઈ વિપરીત અસર ન પડે અને દેશની વિકાસયાત્રા અખંડિત રહે તે માટે સરકાર પૂરી તાકાતથી કામ કરી રહી છે. વડાપ્રધાનના આ ઓજસ્વી સંબોધને ઉપસ્થિત જનતામાં ભારે ઉત્સાહ અને વિશ્વાસનો સંચાર કર્યો હતો.
