ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આગામી વર્ષે યોજાનારી આ વસ્તી ગણતરી માટે 1 માર્ચ, 2027ની મધ્યરાત્રિને સંદર્ભ તારીખ (રેફરન્સ ડેટ) તરીકે નક્કી કરવામાં આવી છે. આઝાદી પછીની આ આઠમી વસ્તી ગણતરી બે તબક્કામાં એટલે કે મકાન યાદી અને આવાસ ગણતરી તથા ત્યારબાદ વસ્તી ગણતરી સ્વરૂપે પાર પાડવામાં આવશે. કોવિડ-19 મહામારીના કારણે વર્ષ 2021માં યોજાનારી આ નિયમિત દશકીય પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હતી, જેને હવે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 11,718 કરોડના બજેટ સાથે મંજૂરી આપવામાં આવી છે.
આ દેશવ્યાપી અભિયાન દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર જેવા આગામી સમયમાં ચૂંટણી યોજાનાર રાજ્યોની સાથે-સાથ લદાખ તેમજ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના અત્યંત હિમવર્ષાવાળા દુર્ગમ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન ગણતરી હાથ ધરવામાં આવશે નહીં. મણિપુર રાજ્ય માટે ગણતરીનું સમયપત્રક અલગથી જાહેર કરવામાં આવશે. સામાન્ય ઘર-ઘરની ગણતરી શરૂ થાય તે પહેલાં, નાગરિકો માટે 10 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન 'સેલ્ફ-એન્યુમરેશન' એટલે કે જાતે જ વસ્તી નોંધણી કરવાનો વિશેષ વિકલ્પ પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે, ત્યારબાદ 1 માર્ચથી 5 માર્ચ દરમિયાન સુધારણા રાઉન્ડ યોજાશે.
દેશની વસ્તી અને તેની સામાજિક-આર્થિક વિશેષતાઓનો સાચો તાગ મેળવવા માટે આ વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા દરમિયાન એકત્રિત કરવામાં આવેલી તમામ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તેમજ નીતિગત હેતુઓ માટે જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2011માં છેલ્લી વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં ભારતની કુલ વસ્તી 1.21 અબજ નોંધાઈ હતી અને દેશમાં કુલ 24.95 કરોડ પરિવારો હતા.
