JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

આઈડીબીઆઈ બેંકના ખાનગીકરણ સામે રાજકીય ઘમાસાણ: રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

Oct 30, 2026 | 18:15 | By JAMNAGAR MIRROR
આઈડીબીઆઈ બેંકના ખાનગીકરણ સામે રાજકીય ઘમાસાણ: રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
આઈડીબીઆઈ બેંકને કેનેડિયન કંપનીને વેચવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. નફાકારક બેંકના ખાનગીકરણથી અનામત અને કર્મચારીઓની સેવા શરતો પર વિપરીત અસર પડવાની તેમણે આશંકા વ્યક્ત કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા આઈડીબીઆઈ બેંકનો મોટો હિસ્સો વિદેશી કંપનીને વેચવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ દેશભરમાં રાજકીય વિવાદ વકર્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેંકના કર્મચારીઓના સમર્થનમાં મેદાનમાં આવીને સરકારના આ નિર્ણય સામે તીખા સવાલો ઊઠાવ્યા છે. કેન્દ્ર સરકારે ૧૪ ઓક્ટોબરે આઈડીબીઆઈ બેંકનો ૬૦.૭૨ ટકા હિસ્સો કેનેડાની ફેરફેક્સ ફાઈનાન્શિયલ હોલ્ડિંગ્સને આશરે રૂ. ૫૩,૦૦૦ કરોડમાં વેચવાની મંજૂરી આપી દીધી છે, જેનો વિરોધ હવે ઉગ્ર બની રહ્યો છે.

કર્મચારીઓને લખેલા એક ખુલ્લા પત્રમાં રાહુલ ગાંધીએ આક્રમક રૂખ અપનાવતા જણાવ્યું હતું કે, સરકારી બેંકો એ વેચી નાખવાની કોઈ સંપત્તિ નથી પરંતુ દેશના આર્થિક નિર્માણના મૂળ સાધનો છે. સાત વર્ષ અગાઉ જે બેંક ખોટમાં ચાલી રહી હતી તેણે કર્મચારીઓની સખત મહેનતના બળે ગત વર્ષે રૂ. ૯,૦૦૦ કરોડથી વધુનો મબલખ નફો રળ્યો છે. આવી નફાકારક અને જનતાના નાણાંથી બનેલી સંસ્થા પર સામાન્ય જનતાનો મૂળ અધિકાર છે. હાલમાં સરકાર અને એલઆઈસી પાસે બેંકનો ૯૫ ટકા હિસ્સો છે, જે ઘટીને માત્ર ૩૪ ટકા થઈ જશે. તેમણે વર્ષ ૨૦૦૩માં સંસદમાં સરકારે આપેલા તે વચનની પણ યાદ અપાવી જેમાં બેંકમાં ૫૦ ટકાથી વધુ હિસ્સો જાળવી રાખવાની બાંહેધરી અપાઈ હતી.

આ ખાનગીકરણના સોદાને કારણે આગામી સમયમાં ગંભીર સામાજિક અને પ્રશાસનિક અસરો સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાહુલ ગાંધીના જણાવ્યા મુજબ બેંકનું સંપૂર્ણ ખાનગીકરણ થવાથી અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC)ના ઉમેદવારો માટેની અનામત વ્યવસ્થા જોખમાઈ શકે છે અને કાયમી ધોરણે સમાપ્ત થઈ શકે છે. આ સાથે જ બેંક કર્મચારીઓની સેવા શરતો પર પણ માઠી અસર પડશે. આ સોદો હાલ આરબીઆઈની મંજૂરીને આધીન છે અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, ત્યારે કર્મચારીઓના વ્યાજબી હિતો અને અનામતની રક્ષા માટે આ વિવાદ આગામી દિવસોમાં વધુ જોર પકડે તેવી પૂરી શક્યતા છે.

LATEST ARTICLES