ભારતીય રેલવે દ્વારા રેલવે કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારજનો માટે પ્રવાસને વધુ સરળ અને સુવિધાજનક બનાવતી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલવે બોર્ડની સ્પષ્ટતા અનુસાર, હવે પ્રિવિલેજ પાસ (PP), પોસ્ટ રિટાયરમેન્ટ કોમ્પ્લિમેન્ટરી પાસ (PRCP) અને વિડો પાસ (WP) ધરાવતા મુસાફરો રાજધાની, દુરંતો અને શતાબ્દી જેવી પ્રીમિયમ એક્સપ્રેસ ટ્રેનોમાં તેમની નિર્ધારિત શ્રેણી કરતા ઉચ્ચ શ્રેણીમાં મુસાફરી કરી શકશે. આ માટે તેમણે માત્ર બે વર્ગો વચ્ચેના ભાડાનો લાગુ પડતો તફાવત (ડિફરન્સ) ચૂકવવાનો રહેશે, જેનાથી પાસ ધારકોને પોતાની પસંદગી અને જરૂરિયાત મુજબ ઉત્તમ સુવિધાઓ મેળવવાનો મોકો મળશે.
અગાઉ 'રેલવે સર્વન્ટ્સ (પાસ) રૂલ્સ, 1986' ના નિયમોમાં અસ્પષ્ટતા હોવાને કારણે કર્મચારીઓ અને પેન્શનરો પ્રીમિયમ ટ્રેનોમાં ભાડાનો તફાવત ચૂકવીને અપગ્રેડેડ ક્લાસમાં મુસાફરી કરી શકશે કે નહીં તે અંગે ભારે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી. કોમર્શિયલ ડિરેક્ટોરેટ સાથે વિસ્તૃત પરામર્શ કર્યા બાદ રેલવે બોર્ડે આ અંગે સ્થિતિ બિલકુલ સ્પષ્ટ કરી દીધી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, સંબંધિત નિયમોના આધારે આ સુવિધા સંપૂર્ણપણે માન્ય છે અને આ નવા આદેશથી પાસ તેમજ પ્રિવિલેજ ટિકિટ ઓર્ડર્સ (PTOs) સંબંધિત અગાઉની તમામ જૂની સૂચનાઓ રદ ગણવામાં આવશે.
આ સુવિધાનો અમલ ત્વરિત ધોરણે શરૂ થાય તે માટે રેલવે બોર્ડ દ્વારા સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS) ને પણ જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે. CRIS ને પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) તેમજ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમના ઈ-પાસ મોડ્યુલમાં તાત્કાલિક ધોરણે જરૂરી ટેકનિકલ ફેરફારો કરવા માટે કહેવામાં આવ્યું છે. રેલવે વિભાગના આ લોકઉપયોગી અને કર્મચારી-કેન્દ્રીય નિર્ણયથી હજારો રેલવે કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફાયદો થશે અને તેઓ વિના વિલંબિતે ઉચ્ચ શ્રેણીની મુસાફરીનો આનંદ માણી શકશે.
