દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાડથર ગામે વીજકંપનીની મનસ્વી કામગીરી સામે સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાવરગ્રીડ કંપનીઓની કામગીરી સામે ખેડૂતોનો અસંતોષ પ્રવર્તી રહ્યો છે, ત્યારે હવે ભાડથર ગામની જીવાદોરી સમાન ગૌચરની જમીન અને તળાવમાંથી વીજ લાઈન પસાર કરવાની તજવીજ હાથ ધરાતા વિવાદ વધુ વકર્યો છે. આ ગેરકાયદેસર અને મનસ્વી કામગીરી તાત્કાલિક અટકાવવા માટે સમગ્ર ગામ એકજૂથ થઈને વીજકંપની સામે લડી લેવાના મૂડમાં આવી ગયું છે.
આ ગંભીર મુદ્દાને લઈને સ્થાનિકો દ્વારા ગામની ગૌશાળા ખાતે આશરે ૩૦૦ જેટલા ગ્રામજનોની એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક પ્રજા કે પશુપાલકોને વિશ્વાસમાં લીધા વિના જ વીજકંપનીને ગુપ્ત રીતે એનઓસી આપી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારના અધિકૃત દસ્તાવેજો અથવા મંજૂરીઓ રજૂ કર્યા વગર જ કંપનીએ મનમાનીપૂર્વક કામગીરી શરૂ કરી દીધી હોવાનો આરોપ પણ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યો છે, જેના કારણે લોકશાહી મૂલ્યો અને ગ્રામીણ અધિકારો સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર ઉપસ્થિત ન રહેતા ગ્રામજનોનો રોષ વધુ ભડક્યો હતો. ગામલોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ગૌચરની જમીન બચાવવા માટેની આ લડતને નજરઅંદાજ કરી વીજ લાઈનની કામગીરી ચાલુ રાખવામાં આવશે, તો તેઓ આગામી સમયમાં જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ ઉગ્ર ઉપવાસ આંદોલન શરૂ કરશે. પશુઓની ગૌચર ભૂમિ અને જળશ્રોતોને બચાવવા માટે ગ્રામજનો હવે કોઈપણ ભેગે પીછેહઠ કરવા તૈયાર નથી અને પ્રશાસને તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
