રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને અત્યંત ગંભીરડગલે પડકારતા સ્પા સંચાલકો સામે પોલીસ પ્રશાસને લાલ આંખ કરી છે. શહેરમાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અને દેહવ્યાપારના દૂષણને ડામવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) સતત કાર્યરત છે. આ દરમિયાન પીએઈ પી.એન. પઢીયારના માર્ગદર્શન હેઠળ મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે અમીન માર્ગ પર આવેલા ડિમ્પલ કોમ્પ્લેક્સ-૨ ખાતે ધમધમતા 'શાન્શા સ્પા' પર સપાટો બોલાવ્યો હતો. અહીં બોડી મસાજના ઓઠા હેઠળ ગ્રાહકોને બોલાવીને ગેરકાયદેસર દેહવ્યાપાર ચલાવવામાં આવી રહ્યો હોવાની હકીકત પોલીસ તપાસમાં સાચી સાબિત થઈ હતી.
પોલીસે આ દરોડા દરમિયાન સ્પામાંથી રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેંશન એક્ટ (ITPA) હેઠળ ગુનો નોંધ્યો છે. સ્થળ પરથી પોલીસે સ્પા સંચાલક પ્રતિક શૈલેષભાઈ તન્ના અને મહિલા રિસેપ્શનિસ્ટ રવીના રામજીભાઈ વાઘેલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, સ્પામાંથી ત્રિપુરા, દિલ્હી, મિઝોરમ, મેઘાલય અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી લાવવામાં આવેલી પાંચ અસહાય યુવતીઓને દેહવ્યાપારની ચુંગાલમાંથી હેમખેમ મુક્ત કરાવવામાં આવી છે.
આ રેકેટના મુખ્ય સૂત્રધાર અને સ્પાના માલિક અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં સ્પા માલિક આદિત્ય પ્રફુલભાઈ મજેઠીયા અગાઉ સ્પા ઓનર્સ એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યો છે અને તે પોતે પત્રકાર હોવાનો દાવો પણ કરે છે. કથિત પત્રકારની આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણી હોવાને કારણે પોલીસ દ્વારા તેનો અને તેના ભાગીદાર ક્રિશ હિતેષભાઈ રૂઘાણીની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ લાભદાયી અને સરાહનીય કામગીરીથી શહેરના અન્ય અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
