રાજકોટ તાલુકાના બારવણ ગામની સીમમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની છ વર્ષીય માસૂમ પુત્રી સાથે બનેલી આ ઘટના પાંચ વર્ષ અગાઉ 11 ફેબ્રુઆરી 2021ના રોજ સામે આવી હતી. મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના વતની અને વાડીમાં રહીને પરિવાર સાથે મજૂરી કરતા શ્રમિકની માસૂમ દીકરી જ્યારે વાડીમાં રમી રહી હતી, ત્યારે આરોપી રામદેવ ઉર્ફે રામલાલ બાબુલાલ ઉર્ફે બાબુજી ભીલે તેને બોર ખવડાવવાની લાલચ આપી હતી. આ લોભામણી વાતે ભોળવાઈ ગયેલી બાળકીને આરોપી નિર્જન સીમમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે પાશવી અત્યાચાર આચરી દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર બાબતની જાણ થતાં જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તાત્કાલિક એરપોર્ટ પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોક્સો અદાલતમાં કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ન્યાય મેળવવા માટે સરકારી પક્ષ દ્વારા મજબૂત પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની કાર્યવાહી દરમિયાન ભોગ બનનાર બાળકીની જુબાની વિશેષ 'વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર' ખાતે નોંધવામાં આવી હતી, જેમાં માસૂમ બાળકીએ હિમ્મતપૂર્વક આરોપીને ઓળખી બતાવી તેની સાથે ઘટેલી સમગ્ર ઘટનાનું આબેહૂબ વર્ણન કર્યું હતું. આ મૌખિક પુરાવા ઉપરાંત તબીબની જુબાની, જન્મનો દાખલો આપનાર અધિકારીની સાક્ષી, તપાસ કરનાર પોલીસ અધિકારીનું નિવેદન તેમજ મેડિકલ સર્ટિફિકેટ જેવા મહત્ત્વના દસ્તાવેજો રજૂ થયા હતા. આ કેસમાં સૌથી મોટો અને નિર્ણાયક પુરાવો એફએસએલ (ફોર્રેન્સિક સાયન્સ લેબોરેટરી) નો રિપોર્ટ સાબિત થયો હતો, જેમાં બાળકીના કપડાં અને પ્રાઇવેટ પાર્ટ્સ પરથી મળી આવેલા સીમેનના નમૂના આરોપીના બ્લડ ગ્રુપ સાથે સંપૂર્ણપણે મૅચ થતા હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું હતું.
અદાલતમાં ચાલેલા આ સઘન ટ્રાયલ દરમિયાન સરકાર તરફથી રોકાયેલા સરકારી વકીલ મુકેશભાઈ પીપળિયાએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફરિયાદી, ભોગ બનનારની જુબાની તેમજ તમામ વૈજ્ઞાનિક અને દસ્તાવેજી પુરાવાઓથી આરોપી સામે ગુનો નિઃશંકપણે સિદ્ધ થાય છે, અને આવા જગઘન્ય અપરાધ બદલ કાયદાની કડક જોગવાઈ મુજબ મહત્તમ સજા થવી અનિવાર્ય છે. પોક્સો કોર્ટના સેશન્સ જજ આઈ.બી. પઠાણે બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને બારીકાઈથી ધ્યાને લીધા બાદ આરોપી રામદેવ ઉર્ફે રામલાલને કસૂરવાર ઠેરવ્યો હતો. ન્યાયાધીશે સમાજમાં કાયદાનો ભય રહે અને પીડિત પરિવારને ન્યાય મળે તે હેતુસર આરોપીને જ્યાં સુધી તેનો શ્વાસ ચાલે એટલે કે કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી આજીવન કેદની સખત સજા અને સાથે દંડ ફટકારતો ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે.
