JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ગીર સોમનાથના કોડીનારમાં કમોસમી વરસાદથી મગફળીનો પાક પલળ્યો, ખેડૂતો ચિંતિત

Oct 30, 2026 | 15:55 | By JAMNAGAR MIRROR
ગીર સોમનાથના કોડીનારમાં કમોસમી વરસાદથી મગફળીનો પાક પલળ્યો, ખેડૂતો ચિંતિત
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં બપોર બાદ અચાનક ખાબકેલા કમોસમી વરસાદને કારણે કાપણી કરીને સુકવવા મૂકેલા મગફળીના પાથરા પાણીમાં પલળી જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે બપોર બાદ અચાનક નાટકીય પલટો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ આકાશમાં કાળાડિબંગ વાદળો ઘેરાયા હતા અને તેજ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને કોડીનાર તાલુકાના ગીર બોર્ડર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોડીનાર પંથકના ઘાટવડ, કંટાળા, પાવટી, સાંઢળીધાર તેમજ આસપાસના જંગલ સરહદી ગામોમાં અડધાથી પોણા કલાક સુધી વરસેલા આ તેજ વરસાદના કારણે માર્ગો અને ગામની શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા હતા, જેનાથી ઉકળાટ તો દૂર થયો પરંતુ અણધાર્યા માવઠાએ ચિંતાના વાદળો ઘેરી લીધા.

હાલમાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગીર સોમનાથ પંથકમાં ખરીફ સીઝનની મુખ્ય ઉપજ એવી મગફળીની ઉપાડ અને કાપણીની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. ખેડૂતોએ ભારે પરિશ્રમ કરીને મગફળીના છોડ જમીનમાંથી બહાર કાઢીને ખેતરોમાં સુકવવા માટે પાથરા પાથર્યા હતા. પરંતુ, અચાનક આફત બનીને ત્રાટકેલા કમોસમી વરસાદના કારણે આ તમામ પાથરા પાણીમાં ગળાડૂબ પલળી ગયા છે. પાથરા વધુ પડતા પલળી જવાને કારણે મગફળીમાં ફૂગ લાગવાની, દાણા કાળા પડી જવાની અને સડી જવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે, જેના લીધે જગતના તાતની આ વર્ષની મહેનત પર પાણી ફરી વળવાની પૂરી શક્યતા છે.

આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તા બંને બાબતોમાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહીને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સ્થિતિ જોતા ખેડૂતો પોતાના બચેલા પાકને સુરક્ષિત ખસેડવા માટે ભારે દોડધામ કરી રહ્યા છે અને સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

LATEST ARTICLES