અમદાવાદ શહેરમાં મુસાફરોની અવરજવર માટે અત્યંત લોકપ્રિય બનેલી ઓલા, ઉબર અને રેપિડો જેવી એગ્રીગેટર કેબ તથા બાઇક સર્વિસ દ્વારા કાયદાકીય નિયમોની થઈ રહેલી ખુલ્લેઆમ અવગણનાનો મોટો પર્દાફાશ થયો છે. અમદાવાદ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO) દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવેલી આક્રમક વિશેષ તપાસ ઝુંબેશ દરમિયાન અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. કાયદાકીય જોગવાઈઓ અનુસાર એગ્રીગેટર પ્લેટફોર્મ સાથે જોડાતા કોઈપણ વાહનનું કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ તરીકે રજિસ્ટ્રેશન હોવું અનિવાર્ય છે, પરંતુ હકીકતમાં સામાન્ય નોન-ટ્રાન્સપોર્ટ વાહનોનો ગેરકાયદેસર રીતે કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે.
RTOની આ સઘન ડ્રાઇવ દરમિયાન કાયદાનું ઉલ્લંઘન કરતા કુલ ૩૧ વાહનો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં પ્રાઇવેટ કે નોન-ટ્રાન્સપોર્ટ બાઇકનો કોમર્શિયલ ઉપયોગ કરતા ૧૦ બાઇકચાલકોના વાહનો સ્થળ પર જ ડિટેઈન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા જેવા અન્ય રાજ્યોમાં રજિસ્ટ્રર્ડ થયેલી ૨૧ જેટલી કાર પણ અમદાવાદની સરહદોમાં કોઈપણ વ્યાજબી પરવાનગી વગર ગેરકાયદેસર રીતે પેસેન્જર ટ્રાન્સપોર્ટ તરીકે દોડતી ઝડપાઈ હતી. તંત્ર દ્વારા આ તમામ ૩૧ વાહનો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરીને અંદાજે ૫ લાખ રૂપિયાનો મસમોટો દંડ વસૂલવામાં આવ્યો છે, જેનાથી ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો છે.
માત્ર વાહનચાલકો પૂરતી મર્યાદિત ન રહેતા આ તપાસનો વ્યાપ સીધો જ મુખ્ય એગ્રીગેટર કંપનીઓની જવાબદારી સુધી લંબાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે RTO દ્વારા ઓલા, ઉબર અને રેપિડોને સત્તાવાર કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે રેપિડો પાસે માત્ર રિક્ષા ચલાવવાનું જ લાયસન્સ છે છતાં તે બાઇક અને કાર દોડાવી રહી છે, જ્યારે ઉબર પાસે કાર અને રિક્ષાનું લાયસન્સ હોવા છતાં બાઇક સર્વિસનું ગેરકાયદે સંચાલન થઈ રહ્યું છે. સસ્તી અને ઝડપી મુસાફરીની આડમાં સામાન્ય નાગરિકોની સુરક્ષા સાથે થઈ રહેલા આ ગંભીર ચેડાં સામે આગામી દિવસોમાં તંત્ર દ્વારા વધુ કડક પગલાં લેવાય તેવી પૂરી સંભાવના છે.
