JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ: AMCના પ્રયાસોથી અંદાજે 2.25 લાખ નાગરિકોને રાહત

Oct 30, 2026 | 15:55 | By JAMNAGAR MIRROR
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ: AMCના પ્રયાસોથી અંદાજે 2.25 લાખ નાગરિકોને રાહત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે જીવણવાડી પમ્પિંગ સ્ટેશનની રાઇઝિંગ લાઇનનું નવી ટ્રંક મેઇન લાઇન સાથે સફળ જોડાણ કર્યું છે, જેનાથી અંદાજે 2.25 લાખ નાગરિકોને લાંબા સમયથી સતાવતી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નાગરિકોને લાંબા સમયથી ડ્રેનેજ ચોકિંગ, બેકિંગ અને વારંવાર થતા લીકેજ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાઓના કાયમી નિવારણ માટે મેયર હિતેશભાઈ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલા હયાત જીવણવાડી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની 600 મીમી વ્યાસની રાઇઝિંગ લાઇનને માઇક્રો ટનલિંગ પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી ટ્રંક મેઇન લાઇન સાથે સફળતાપૂર્વક જોડી દેવામાં આવી છે.

આ અદ્યતન ટેકનોલોજી આધારિત જોડાણ થવાથી પમ્પિંગ સ્ટેશન તેની મહત્તમ ક્ષમતા સાથે કાર્યરત થઈ શકશે અને નવી ડ્રેનેજ લાઇનનો ભરપૂર લાભ મળી રહેશે. પરિણામે, નિકોલ, ગોપાલચોક, ઠક્કરબાપાનગર અને વિરાટનગર સહિતના આસપાસના વિસ્તારોમાં ચોમાસા કે સામાન્ય દિવસોમાં ઉભી થતી ડ્રેનેજ ઉભરાવવાની અને લીકેજની સમસ્યાઓનો કાયમી અંત આવશે. આ સાથે જ, શહેરની જૂની 1600 મીમી ટ્રંક મેઇન લાઇન પરનું અતિશય ભારણ પણ ઘટશે, જેના કારણે સમગ્ર પૂર્વ વિસ્તારનું ડ્રેનેજ નેટવર્ક વધુ સક્ષમ અને અવરોધમુક્ત બનશે.

આ આધુનિક માઇક્રો ટનલિંગ ટેકનોલોજીના ઉપયોગ થકી જૂની ડ્રેનેજ ટ્રંક મેઇન લાઇનના રિહેબિલિટેશન માટે ગંદા પાણીના પ્રવાહને નવી લાઇન તરફ સફળતાપૂર્વક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. AMC ની આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને સચોટ કામગીરીના પરિણામે આ વિસ્તારના કુલ ૩ વોર્ડમાં આવતી અંદાજે ૨.২৫ લાખ જેટલી વિશાળ વસ્તીને સીધો અને મોટો લાભ મળશે. તંત્રની આ સક્રિય કામગીરીથી પૂર્વ વિસ્તારના નાગરિકોના દૈનિક જીવનની ગુણવત્તા સુધરશે અને તેમને વર્ષો જૂની નરકાગાર જેવી પરિસ્થિતિમાંથી કાયમી રાહત પ્રાપ્ત થશે.

LATEST ARTICLES