JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

શેરબજારમાં તોતિંગ નફાની લાલચ આપી કરોડો પડાવતી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ ઝડપાઈ

Oct 30, 2026 | 15:45 | By JAMNAGAR MIRROR
શેરબજારમાં તોતિંગ નફાની લાલચ આપી કરોડો પડાવતી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ ઝડપાઈ
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે નકલી ટ્રેડિંગ એપ્સ દ્વારા વેપારી સાથે 57.92 લાખની ઠગાઈ આચરતી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જેઓ 15 રાજ્યોમાં 80થી વધુ લોકોને શિકાર બનાવી ચૂક્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે અમદાવાદ અને વડોદરામાંથી એક કુખ્યાત આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ સિન્ડિકેટના ચાર મુખ્ય સાક્ષીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેંગ સોશિયલ મીડિયા પર શેરબજારમાં ટૂંકા ગાળામાં તોતિંગ અને ગેરંટેડ વળતર તેમજ આઈપીઓ અલોટમેન્ટની આકર્ષક જાહેરાતો મૂકીને ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવતી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગનું નેટવર્ક માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં, પરંતુ છેક દુબઈ સુધી વિસ્તરેલું હતું અને દુબઈ બેઠેલા હેન્ડલર્સના ઈશારે આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.

આ ગેંગની કામ કરવાની પદ્ધતિ અત્યંત હાઈ-ટેક અને ચોંકાવનારી હતી. આરોપીઓએ એક વેપારીને વિશ્વાસમાં લઈને તેમના મોબાઈલમાં ‘JB X One’ અને ‘ID-QSB’ નામની નકલી ટ્રેડિંગ એપ્લિકેશનો ડાઉનલોડ કરાવી હતી. આ બોગસ એપ્સમાં શેર ખરીદ-વેચાણનું ખોટું ડેશબોર્ડ બતાવીને વેપારીને લાખો રૂપિયાનો નફો થયાનું દર્શાવવામાં આવતું હતું, પરંતુ જ્યારે વેપારી પોતાના જ નાણાં પાછા ઉપાડવા જતા ત્યારે આરોપીઓ વધુ ટેક્સ અને પ્રોસેસિંગ ફીના નામે અવારનવાર નાણાં પડાવતા હતા. આ રીતે માત્ર એક જ વેપારી પાસેથી કટકે કટકે કુલ ₹57.92 લાખ પડાવીને ઠગાઈ આચરવામાં આવી હતી.

પોલીસે દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર ઈસ્તિયાક રીયાવાલા, ઈરફાન શેખ, સોહેબ જોજાવરવાલા અને શેહઝાદ અજમેરવાલાની ધરપકડ કરી તેમની પાસેથી ૩૦થી વધુ બેંક ખાતાઓની કિટ્સ, ચેકબુકો, ડેબિટ કાર્ડ્સ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. કિંગપિન ઈસ્તિયાક કમિશન આપી સામાન્ય લોકોના ખાતા મેળવીને હવાલા અને ડિજિટલ માધ્યમો દ્વારા દુબઈ મોકલતો હતો. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તપાસ કરતાં આ ગેંગ સામે દેશના ૧૫ રાજ્યોમાં ૮૦થી વધુ ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે, તેમજ ₹૫૦ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળતા હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને ઈન્કમટેક્સ વિભાગ પણ આ મામલે તપાસ કરશે.

LATEST ARTICLES