ઘરમાં અચાનક ગેસ સિલિન્ડર ખાલી થઈ જાય અને ખિસ્સામાં પૂરતા પૈસા ન હોય તેવી સ્થિતિમાં ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોની ચિંતા વધી જતી હોય છે. આર્થિક મુશ્કેલીના આવા જ સમયમાં ગ્રાહકોને રાહત આપવા માટે ભારતગેસ દ્વારા એક નવી અને ઉપયોગી પહેલ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રાહકો હવે એલપીજી સિલિન્ડર રિફિલ કરાવવા માટે ૬૦૦ રૂપિયા સુધીની માઈક્રો-લોન મેળવી શકે છે, જે 'હમણાં ખરીદો અને પછી ચૂકવણી કરો' ના મોડેલ પર કામ કરે છે. આ સુવિધાના કારણે ગ્રાહકોને કટોકટીના સમયે અટવાવું નહીં પડે અને તેઓ સરળતાથી પોતાનું રસોડું ચાલુ રાખી શકશે.
આ માઈક્રો-લોનની સૌથી મોટી વિશેષતા એ છે કે કંપની દ્વારા તેના પર કોઈપણ પ્રકારનું વ્યાજ વસૂલવામાં આવતું નથી એટલે કે આ સેવા સંપૂર્ણપણે ૦% વ્યાજ દર સાથે ઉપલબ્ધ છે. જો કોઈ ગ્રાહક પૂરી ૬૦૦ રૂપિયાની લોન લે છે, તો તેણે માત્ર ૬૦૦ રૂપિયા જ પરત કરવાના રહેશે, વધારાનો કોઈ ભાર સહન કરવો પડશે નહીં. આ ઉપરાંત, લોનની પરત ચૂકવણી માટે પણ અત્યંત સરળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ગ્રાહક છ અઠવાડિયા સુધી દર અઠવાડિયે ૧૦0 રૂપિયાના નાના હપ્તા ચૂકવીને પોતાની રકમ સગવડતાપૂર્વક ભરપાઈ કરી શકે છે, જેથી એકસાથે નાણાં એકઠા કરવાનું મોટું દબાણ પરિવાર પર રહેતું નથી.
જોકે, આ સુવિધા મેળવવા માટે ગ્રાહકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે આ લોન આપમેળે દરેકને મળવાપાત્ર નથી, પરંતુ તે ગ્રાહકની પાત્રતા અને કંપનીની શરતો પર આધારિત છે. આ યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકોએ તેમના નજીકના અધિકૃત ભારતગેસ વિતરકનો સંપર્ક કરીને પાત્રતા, અરજી પ્રક્રિયા અને અન્ય જરૂરી શરતો વિશે સચોટ માહિતી મેળવી લેવી હિતાવહ છે. યોગ્ય આયોજન અને સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો આ માઈક્રો-લોન ઓછી આવક ધરાવતા પરિવારો માટે આર્થિક સંકટના સમયે ખરેખર એક મોટો સહારો સાબિત થઈ શકે છે.
