દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં આવેલા જ્વાલાપુરી નાળા પાસે બનેલી આ અત્યંત ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક સંદીપ વ્યવસાયે ડ્રાઈવર હતો અને ગત રવિવારે સાંજે તે વિસ્તારના એક જાણીતા ફેરીયા ચિન્ટુ ગુપ્તાની રેકડી પર છોલે-ભચુરે ખાવા ગયો હતો. જમતી વખતે સંદીપે વેપારી પાસે થાળીમાં થોડા વધારાના છોલે માંગ્યા હતા, જે બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી. આ તુચ્છ વાત પરથી શરૂ થયેલો વિવાદ એટલો હદે વધી ગયો કે ગુસ્સામાં આવેલા ખાણીપીણીના વેપારીએ માનવતાની તમામ હદો વટાવીને સંદીપ પર છરી વડે આડેધડ હુમલો કરી દીધો હતો.
આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સંદીપને તાત્કાલિક સારવાર અર્થે ૨૫ ઓક્ટોબરની રાત્રે સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી બાદમાં તેને પંજાબી બાગની મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના મેડિકો-લીગલ કેસ (MLC) ના અહેવાલ મુજબ સંદીપના શરીર પર અસહ્ય ઈજાઓ જોવા મળી હતી, જેમાં તેના ડાબા પેટના ભાગે છરીના ત્રણ ઊંડા ઘા તેમજ ડાબા આગળના હાથ અને કાંડા પર ગંભીર ચીરાયેલી ઈજાઓ નોંધાઈ હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મંગળવારે તેણે ગંભીર ઈજાઓને કારણે દમ તોડી દીધો હતો, જેના કારણે તેના પરિવાર પર ભારે આભ તૂટી પડ્યું છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ચિન્ટુ ગુપ્તાની ધરપકડ કરી લીધી છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. સંદીપના મૃત્યુ બાદ પોલીસે આ કેસમાં હત્યાની કલમોનો ઉમેરો કરી વધુ તપાસ શરૂ કરી છે. મૃતક સંદીપ પોતાના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો અને તેની પાછળ પત્ની તથા બે નાના બાળકો નોધારા બન્યા છે. શરૂઆતમાં પરિવાર દ્વારા આ હુમલામાં ચારથી પાંચ લોકો સામેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ પ્રત્યક્ષદર્સીઓના નિવેદનોના આધારે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ ઘાતકી હુમલો એકમાત્ર આરોપી દ્વારા જ કરવામાં આવ્યો હતો.
