આજના ભાગદોડ ભરેલા જીવનમાં નોકરીયાત કે સંયુક્ત પરિવારો માટે ઘરેલુ સહાય અનિવાર્ય બની ગઈ છે, પરંતુ આ સેવાઓનો ખર્ચ હવે સામાન્ય બજેટને વટાવી ગયો છે. બેંગલુરુના બેલંદુર વિસ્તારમાં રહેતી સાક્ષી નામની મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ઘરના ઘરકામ અને સહાયક સેવાઓનો માસિક ખર્ચ 42,100 રૂપિયા હોવાનું જાહેર કર્યું છે. આ આંકડો માત્ર રસોઈયા, બેબીસિટર, નોકરાણી અને અન્ય સફાઈ સેવાઓનો જ છે, જેમાં કરિયાણા, વીજળી બિલ કે અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ થતો નથી. આ હિસાબ મુજબ આ પરિવાર માત્ર ઘરેલુ સહાય પાછળ વાર્ષિક 5,05,200 રૂપિયાનો જંગી ખર્ચ કરે છે, જેણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.
મહિલા દ્વારા શેર કરવામાં આવેલા વિગતવાર બજેટમાં સૌથી મોટો ખર્ચ બાળકની સંભાળ એટલે કે નૈની (બેબીસિટર) પાછળ થાય છે, જેનો માસિક પગાર 23,000 રૂપિયા છે. આ ઉપરાંત સવાર, બપોર અને રાત્રિના ભોજન માટે રાખવામાં આવેલા રસોઈયાનો માસિક ખર્ચ 7,500 રૂપિયા છે, જ્યારે ઘરની નિયમિત સફાઈ કરતી કામવાળીબાઈનો પગાર 5,500 રૂપિયા છે. આ પ્રાથમિક ખર્ચ ઉપરાંત રસોડાની ડીપ ક્લિનિંગ, બાથરૂમની સફાઈ, ગાડીની ધૂળ સાફ કરાવવી, બાલ્કની ધોવાની તેમજ અઠવાડિયામાં રવિવારના દિવસે અસ્થાયી ધોરણે સફાઈ કરાવવા માટે પણ વધારાના નાણાં ખર્ચવામાં આવે છે. આ તમામ નાની-મોટી સફાઈ સેવાઓ મળીને દર મહિને હજારો રૂપિયા વધારાના ઉમેરાય છે, જેના કારણે કુલ માસિક ખર્ચ 42,100 રૂપિયા સુધી પહોંચી જાય છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે આ વાર્ષિક પાંચ લાખ રૂપિયાથી વધુના ખર્ચમાં કરિયાણાનો સામાન, એલપીજી ગેસ સિલિન્ડર, વીજળીનું બિલ, કપડાં ધોવા, ઘરનું રિપેરિંગ કામ, તહેવારોની બોનસ રકમ તેમજ રવિવારના બહાર જમવાના ખર્ચનો બિલકુલ સમાવેશ કરવામાં આવ્યો નથી. જો આ તમામ રોજિંદા અને આવશ્યક ખર્ચાઓને પણ ઉમેરવામાં આવે, તો પરિવારનો વાર્ષિક કુલ કુટુંબ ખર્ચ આના કરતા પણ ઘણો વધારે થઈ શકે છે. બેંગલુરુ જેવા મહાનગરોમાં મોંઘવારી અને જીવનશૈલીના વધતા ધોરણો વચ્ચે આ કિસ્સો શહેરી વિસ્તારોમાં રહેતા મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારો માટે ઘર ચલાવવું કેટલું પડકારજનક બનતું જાય છે તેની સ્પષ્ટ ઝાંખી કરાવે છે.
