જર્મનીના નોર્થ રાઈન-વેસ્ટફાલિયા વિસ્તારના વેસેલ શહેરમાં આવેલી એક વોકેશનલ કોલેજમાં ફરજ બજાવતી ૬૨ વર્ષીય મહિલા શિક્ષિકાએ ફેબ્રુઆરી ૨૦૦૯થી વર્ગખંડમાં પગ મૂક્યો ન હતો. સરકારી નોકરીના નિયમોનો લાભ લઈને તેણે કથિત રીતે ૧૬ વર્ષ સુધી શાળાએ જવાનું ટાળ્યું હતું, પરંતુ આ લાંબી ગેરહાજરી દરમિયાન પણ તે નિયમિતપણે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને સરકાર પાસેથી પૂરો પગાર મેળવતી રહી હતી. જર્મનીના સિવિલ સર્વિસ સિસ્ટમ હેઠળ સરકારી કર્મચારીઓને લાંબી માંદગી દરમિયાન પણ પગાર મળવાની છૂટ છે, પરંતુ આ કેસમાં શિક્ષણ વિભાગના નવા અધિકારીઓએ ફાઇલોની ચકાસણી કરતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
દુઈબર્ગ પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસના જણાવ્યા અનુસાર, આ કેસમાં માર્ચ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૫ વચ્ચેના સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવેલા ૨,૪૮,૦00 યુરોથી વધુના પગારને ધ્યાનમાં રાખીને ગંભીર આરોપો ઘડવામાં આવ્યા છે. તપાસકર્તાઓનો આક્ષેપ છે કે શિક્ષિકા શારીરિક રીતે કામ કરવા સક્ષમ હોવા છતાં ખોટા તબીબી દસ્તાવેજો રજૂ કરીને રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરતી હતી. આ ઉપરાંત, તેણે સ્કૂબા ડાઇવિંગ (Scuba Diving) માટે ફિટ હોવાના બે બનાવટી સર્ટિફિકેટ્સ પણ રજૂ કર્યા હતા, જેમાં દર્શાવવામાં આવેલ તબીબ અસ્તિત્વમાં જ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જો કે, સમગ્ર ૧૬ વર્ષના સમયગાળાને જોવામાં આવે તો આ અંદાજિત રકમ ૧૦ લાખ યુરો સુધી પહોંચતી હોવાનો અંદાજ છે, પરંતુ કાનૂની મર્યાદાઓને કારણે હાલ તાજેતરના વર્ષોના કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ અનોખા કૌભાંડે જર્મનીની સરકારી નોકરીઓની ઓવરસીટ અને મેડિકલ રજાના નિયમો સામે મોટા સવાલો ખડા કર્યા છે. તપાસ દરમિયાન એ વાત તો સ્પષ્ટ થઈ છે કે શિક્ષિકા લાંબી રજા દરમિયાન સ્કૂબા ડાઇવિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓમાં સક્રિય હતી, પરંતુ અન્ય કોઈ વ્યાવસાયિક વ્યવસાય કે નોકરી કરતી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. જ્યારે પ્રશાસને તેને ફરજિયાત મેડિકલ તપાસ માટે આદેશ આપ્યો ત્યારે તેણે તેનો વિરોધ કર્યો હતો, જેને કોર્ટે ફગાવી દીધો હતો. હાલ દુઈબર્ગની પ્રાદેશિક કોર્ટે આ મામલે ટ્રાયલ શરૂ કરવી કે નહીં તે અંગે વિચારણા શરૂ કરી છે, અને આ કેસનો આખરી નિર્ણય જર્મન પ્રશાસન માટે એક મોટો દાખલો બની રહેશે.
