જયપુરની જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ-II દ્વારા પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ સામે એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ચંદ્રમન જલન નામના ગ્રાહકે ૫ રૂપિયાનું લેઝ (Lay's) ચિપ્સનું પાઉચ ખરીદ્યું હતું, જેની ઉપર વજન ૧૫ ગ્રામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે આ પાઉચ ખોલવામાં આવ્યું ત્યારે તેમાંથી માત્ર ૪ ગ્રામ જ ચિપ્સ નીકળી હતી. આ ગંભીર ત્રુટીને ધ્યાનમાં રાખીને ગ્રાહકે સેવામાં ખામી અને અન્યાયી વેપાર પ્રથાઓનો આરોપ લગાવતા ૬ એપ્રિલ ૨૦૨૨ના રોજ ગ્રાહક આયોગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન ઉત્પાદક કંપની પેપ્સિકોને જવાબદાર ગણી હતી, કારણ કે કંપનીએ કાનૂની નોટિસ મળવા છતાં અદાલતમાં હાજર રહેવાનું ટાળ્યું હતું જેથી તેની સામે એકસ-પાર્ટી કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ, રિટેલર મેટ્રો કેશ એન્ડ કેરી સામેની ફરિયાદ આયોગ દ્વારા ફગાવી દેવામાં આવી હતી, કારણ કે રિટેલરે આ પ્રોડક્ટ તેના ઓરિજિનલ અને સીલબંધ પેકિંગમાં જ વેચી હતી અને તેમાં કોઈ છેડછાડ કરી નહોતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પેક્ડ વસ્તુઓની ગુણવત્તા અને વજનની જવાબદારી સીધી ઉત્પાદક કંપનીની જ રહે છે, જેથી રિટેલરને આ મામલે દોષમુક્ત જાહેર કરવામાં આવ્યો છે.
આ કેસના અંતિમ ચુકાદામાં આયોગે પેપ્સિકો કંપનીને આદેશ આપ્યો છે કે તે ગ્રાહકને ચિપ્સના પાઉચની મૂળ કિંમત ૫ રૂપિયા ૬ ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરે. આ ઉપરાંત, ગ્રાહકને થયેલા માનસિક ત્રાસ બદલ ૫,૦૦૦ રૂપિયા અને કાનૂની લડાઈના ખર્ચ પેટે ૩,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કંપનીએ આ સમગ્ર રકમ એક મહિનાની અંદર ચૂકવવાની રહેશે, અન્યથા નિશ્ચિત મુદત વીત્યા બાદ તે રકમ પર પણ વધારાનું વ્યાજ લાગુ કરવામાં આવશે. ગ્રાહક સુરક્ષાના મામલે આ પ્રકારના ચુકાદાઓ મોટી FMCG કંપનીઓને પોતાની ગુણવત્તા અને વજનના ધોરણો પ્રત્યે વધુ સતર્ક રહેવા માટે મજબૂર કરે છે.
