દિલ્હીની એમિટી ઇન્ટરનેશનલ સ્કૂલની ૧૭ વર્ષીય વિદ્યાર્થીની માહી મલહાણીએ કચરાના નિકાલની સમસ્યાને હલ કરવા માટે એક અનોખી ટેક્નોલોજી વિકસાવી છે. વર્ષ ૨૦૨૩માં દિલ્હીની પ્રખ્યાત 'સુંદર નર્સરી'ની મુલાકાત દરમિયાન તેણે ડસ્ટબિન નજીક હોવા છતાં જમીન પર ફેલાયેલા પ્લાસ્ટિક અને ખાદ્ય કચરાને જોયો. આ દશ્યથી પ્રભાવિત થઈને તેના મનમાં સવાલ ઉભો થયો કે લોકો શા માટે કચરો યોગ્ય જગ્યાએ નથી નાખતા અને આ સમસ્યાનો ટેક્નોલોજી દ્વારા શું ઉકેલ લાવી શકાય? આ જ જિજ્ઞાસામાંથી 'ટ્રેશબોટ' (TRASHbot) નામના AI-આધારિત રોબોટનો વિચાર જન્મ્યો, જે આજે શાળાઓ, ઘરો અને રેસિડેન્શિયલ સોસાયટીઓમાં સફળ સાબિત થઈ રહ્યો છે.
આ રોબોટની રચના અને ટેક્નોલોજી પાછળ માહીની ભારે મહેનત અને બાળપણથી ટેક્નોલોજી પ્રત્યેનો લગાવ રહેલો છે. નાની ઉંમરે પાયથોન, સી++ અને જાવાસ્ક્રિપ્ટ જેવી પ્રોગ્રામિંગ ભાષાઓ શીખનાર માહીએ IIT દિલ્હી આધારિત રોબોટિક્સ પ્રોગ્રામ 'રાંચો લેબ્સ'ના માર્ગદર્શન હેઠળ આ પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. ટ્રેશબોટમાં કચરો ઓળખવા માટે કેમેરા અને YOLOv3 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલનો ઉપયોગ થાય છે, જ્યારે રાસ્પબેરી પાઇ અને આર્ડુઈનો યુનો તેની ગતિવિધિઓ અને પ્રોસેસિંગને નિયંત્રિત કરે છે. આ રોબોટ અતિસંવેદનશીલ અલ્ટ્રાસોનિક સેન્સરની મદદથી અવરોધોને ઓળખીને અકસ્માતો ટાળે છે અને તે સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા પણ નિયંત્રિત થઈ શકે છે.
હાલમાં આ રોબોટ ભીનો અને સૂકો કચરો અલગ કરવાની ક્ષમતા ધરાવે છે અને તે ૯૦ ટકા સુધીની ચોકસાઈથી કચરાનું વર્ગીકરણ કરે છે. માહીના આ વિશિષ્ટ પ્રોજેક્ટને 'અટલ ઇનોવેશન મિશન' દ્વારા ATL ટિંકરપ્રેન્યોર ૨૦૨૫ પ્રોગ્રામમાં ટોચની ૧૦૦ એન્ટ્રીઓમાં સ્થાન મળ્યું છે. તેના ભવિષ્યના આયોજનોમાં આ રોબોટને વધુ અપગ્રેડ કરીને પ્લાસ્ટિક, મેટલ, ગ્લાસ સહિત પાંચ અલગ-અલગ કેટેગરીમાં કચરો વહેંચવાની ક્ષમતા વિકસાવવાનો તેમજ સોલાર પાવર અને ક્લાઉડ કનેક્ટિવિટી જોડાણનો સમાવેશ થાય છે. માહીની ઇચ્છા ભવિષ્યમાં આવા રોબોટ્સને ગ્રામીણ વિસ્તારો અને પડકારજનક ભૂપ્રદેશોમાં પણ ઉપયોગી બનાવવાની છે.
