ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા જાણીતા પુરાતત્વીય સ્થળ સાનક્સીંગડુઈમાંથી મળી આવેલી પ્રાચીન કલાત્મક ચીજવસ્તુઓ પર વૈજ્ઞાનિકોએ એક મહત્વપૂર્ણ સંશોધન હાથ ધર્યું છે. 'એન્ટિક્યુટી' જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, બ્રોન્ઝના મુખવટા, સોનું, જેમ્સ અને હાથીદાંતની બનેલી ૧૦૧ જેટલી વસ્તુઓ પર રેશમના સૂક્ષ્મ અવશેષો મળી આવ્યા છે. આ શોધી કાઢવામાં આવેલી વસ્તુઓ ઈસવીસન પૂર્વે ૧૩૦૦ થી ૧૦૪૬ દરમિયાનના લેટર શાંગ કાળની છે. સંશોધકોએ અતિશય આધુનિક માઈક્રોસ્કોપ અને કેમિકલ ટેસ્ટની મદદથી આ હજારો વર્ષ જૂના કાપડના રેસાઓનું ઝીણવટપૂર્વક પરીક્ષણ કર્યું હતું, જેણે પ્રાચીન કાળની સંસ્કૃતિ પરથી એક નવો પડદો ઉંચક્યો છે.
આ સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે પ્રાચીન શુ (Shu) સંસ્કૃતિના લોકો કિંમતી વસ્તુઓને ધાર્મિક વિધિઓ કે પૂજા-અર્ચના દરમિયાન ઢાંકવા કે લપેટવા માટે રેશમનો ઉપયોગ કરતા હતા. બ્રોન્ઝના એક વિશાળ મુખવટાની આંખ અને ભ્રમર પાસે રેશમના ટુકડાઓ હજુ પણ ચોંટેલા જોવા મળ્યા હતા, જેમાં અલગ-અલગ વણાટ શૈલી અને લાલ રંગના રંજકદ્રવ્યો પણ મળી આવ્યા છે. માટીમાં હજારો વર્ષ દટાયેલા રહેવા છતાં, બ્રોન્ઝની વસ્તુઓમાંથી ઝરેલા તાંબા અને અન્ય ધાતુઓના ક્ષારને કારણે આ નાજુક રેશમી રેસાઓ કુદરતી રીતે સચવાઈ રહ્યા હતા. કેટલાક નમૂનાઓમાં કાર્બનાઈઝેશન થવાથી તે કાળા અને બરછટ બન્યા હતા, જ્યારે કેટલાકમાં ઓકર (ગેરૂ) જેવા ખનિજ રંગો અને કાર્બનિક ડાઈના અનોખા પુરાવા પણ પ્રાપ્ત થયા છે.
આ અભ્યાસ માત્ર કાપડની હાજરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે પ્રાચીન કાળની વણાટ કળા અને ધાર્મિક પરંપરાઓની સમૃદ્ધ ગાથા રજૂ કરે છે. કેટલાક અવશેષોમાં રેશમના પાંચ જેટલા સ્તરો એક ઉપર એક ગોઠવાયેલા જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે ચીજવસ્તુઓને અત્યંત કાળજીપૂર્વક વિધિવત રીતે આવરી લેવામાં આવતી હતી. જોકે આ સ્થળેથી કોઈ લેખિત દસ્તાવેજો નથી મળ્યા, પરંતુ આ રેશમના અસ્તિત્વ અને અદ્યતન વણાટ ટેકનિકે ઇતિહાસકારોને પ્રાચીન ચીનની સામાજિક અને સાંસ્કૃતિક જીવનશૈલી સમજવાની એક નવી દિશા પૂરી પાડી છે.
