દેશના પ્રધાનમંત્રીના ગુજરાત આગમન વેળાએ જ રાજ્યના ખેડૂતોના સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યવ્યાપી 'કિસાન અધિકાર ધરણા' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ શરૂ થયેલા આ આંદોલનમાં સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ એમ ચારેય ઝોનમાં કોંગ્રેસના શીર્ષ નેતાઓ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રાજકોટના ત્રિકોણબાગ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી અને લલિત કગથરા સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ખેડૂતોના હિત માટે સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અવાજુલંદ કરવામાં આવ્યો હતો.
આ આંદોલન દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને સ્પશતા મુખ્ય છ પડતર પ્રશ્નો અને માંગણીઓ સરકાર સમક્ષ ભારપૂર્વક રજૂ કરવામાં આવી હતી. જેમાં અપૂરતા વરસાદને કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ત્વરિત દુષ્કાળ જાહેર કરવા, પાક નુકસાનીનો સર્વે કરાવી વીમાનું વળતર ચૂકવવા તેમજ આર્થિક સંકટનો સામનો કરી રહેલા અન્નદાતાઓનું દેવું સંપૂર્ણપણે માફ કરવાની પ્રમુખ માંગણીઓ સામેલ હતી. આ ઉપરાંત, રાજ્યભરમાં જમીન માપણીમાં થયેલી ગેરરીતિઓને તાત્કાલિક રદ કરવા, ખેતરોમાંથી પસાર થતા વીજ થાંભલાઓનું યોગ્ય વળતર અપાવવા તેમજ ખેતમજૂરો માટે આર્થિક સહાય અને પશુધનને બચાવવા માટે ઘાસચારા અને પાણીની પૂરતી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
રાજકોટ ઉપરાંત ઉત્તર ઝોનમાં મહેસાણા ખાતે જગદીશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં, મધ્ય ઝોનમાં વડોદરા ખાતે ભરતસિંહ સોલંકી અને અમીબેન યાજ્ઞિકની ઉપસ્થિતિમાં તેમજ દક્ષિણ ઝોનમાં બારડોલી ખાતે અનંત પટેલ સહિતના નેતાઓએ ધરણા યોજીને સરકારને ઘેરી હતી. કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. વિપક્ષના આ આક્રમક મિજાજથી રાજકીય માહોલ ગરમાયો હતો અને સમગ્ર રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા હતા.
