JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

અમેરિકાની નાક નીચે ઈરાનનું 2 અબજ ડોલરનું ગુપ્ત લશ્કરી નેટવર્ક સક્રિય

Oct 30, 2026 | 13:15 | By JAMNAGAR MIRROR
અમેરિકાની નાક નીચે ઈરાનનું 2 અબજ ડોલરનું ગુપ્ત લશ્કરી નેટવર્ક સક્રિય
અમેરિકન પ્રતિબંધો અને નૌકાદળની નાકાબંધી વચ્ચે ઈરાને પાંચ હજારથી વધુ મોરચા સંગઠનો દ્વારા બે અબજ ડોલરથી વધુનું લશ્કરી હાર્ડવેર અને વિસ્ફોટકો આયાત કર્યા છે. રોઇટર્સની તપાસમાં ઈરાનના આ અત્યાધુનિક ગુપ્ત નેટવર્કનો પર્દાફાશ થયો છે.

રોઇટર્સ દ્વારા ઇઝરાયેલ-અમેરિકન રિસ્ક કન્સલ્ટન્સી '240 એનાલિટિક્સ'ના સહયોગથી કરવામાં આવેલી એક ચોંકાવનારી તપાસ અનુસાર, ઈરાને જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને નેવે મૂકીને અબજો રૂપિયાનું લશ્કરી સામાન મેળવ્યો છે. આ ગુપ્ત નેટવર્ક 'MOD' (ફારસીમાં VODJA) થી શરૂ થતા નામ ધરાવતી પાંચ હજારથી વધુ કંપનીઓ અને એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ તમામ એજન્સીઓ તેહરાનમાં સંરક્ષણ મંત્રાલયનું સરનામું ધરાવે છે અને કાગળો પર વર્ષ 1979ની ક્રાંતિના દિવસે સ્થપાયેલી હોવાનું દર્શાવે છે. વાસ્તવમાં, આ કોર્પોરેટ એકમોની રચના 2013માં કરવામાં આવી હતી જ્યારે ઈરાની અર્થવ્યવસ્થા તેલ નિકાસ પ્રતિબંધો સામે ઝઝૂમી રહી હતી. આ ગુપ્ત માળખું ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને દેશના સર્વોચ્ચ નેતા દ્વારા નિયંત્રિત 'બોન્યાદ' નામના અબજોપતિ વ્યવસાયિક જૂથો સાથે સીધી રીતે જોડાયેલું છે.

આ આખો વ્યાપાર ચલાવવા માટે બોગસ કંપનીઓ અને ફ્રન્ટમેનનો ઉપયોગ કરવામાં આવે છે, જેઓ ગેરકાયદેસર તેલ વેચાણની આવકથી મિસાઈલ અને ડ્રોન ભંડારને સમૃદ્ધ બનાવે છે. ખાસ વાત એ છે કે આ આયાત વ્યવહારોમાંથી 97 ટકા જેટલા વ્યવહારો "કરન્સી ટ્રાન્સફર વગર" પતાવવામાં આવ્યા હતા, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ નાણાકીય ચેતવણી ન મળે. આ નેટવર્ક હેઠળ ચીન, રશિયા અને જર્મની જેવા દેશોમાંથી રોકેટ પ્રોપેલન્ટ્સ, વિસ્ફોટકો, ભારે ટ્લક્સ અને લોન્ચર્સની મોટા પાયે આયાત કરવામાં આવી છે. 'MOD 346428' નામની એક જ મુખ્ય એજન્સીએ જાન્યુઆરી 2025થી જૂન 2026 વચ્ચે અંદાજે 2.3 અબજ ડોલરનું લશ્કરી હાર્ડવેર આયાત કર્યું હતું. આ એજન્સી દ્વારા ચીનથી મંગાવવામાં આવેલ ઘન રોકેટ ઇંધણ માટેના રસાયણો અને વિસ્ફોટકોને કારણે એપ્રિલ 2025માં શાહિદ રાજાઈ બંદર પર ભયાનક વિસ્ફોટ પણ થયો હતો, જેમાં 70 થી વધુ લોકોનાં મોત થયા હતા.

યુદ્ધની સ્થિતિ અને અમેરિકન નાકાબંધી વચ્ચે પણ આ સપ્લાય ચેઈન અવિરતપણે ચાલુ રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઈરાને યુદ્ધ શરૂ થયા પછી પણ ચીનમાંથી મિસાઈલ અને રોકેટ મોટર કેસીંગ બનાવવા માટે ઉપયોગી ટાઈટેનિયમ, નાઈટ્રોસેલ્યુલોઝ તેમજ રશિયા પાસેથી ડિટોનેટર્સની આયાત કરવાનું ચાલુ રાખ્યું હતું. આ મામલે નિષ્ણાતોનું માનવું છે કે આ ઈરાનનું એક 'ઔદ્યોગિક સ્તરનું' લશ્કરી પુનરુત્થાન અભિયાન છે, જે તેની સૈન્ય તાકાતને ટકાવી રાખવા માટે જીવાદોરી સમાન સાબિત થયું છે. જોકે, અમેરિકી ટ્રેઝરી વિભાગના પ્રવક્તાએ દાવો કર્યો છે કે તેઓ શાસનના આર્થિક માળખાને તોડી ચૂક્યા છે અને આવા પ્રયાસો સામે હંમેશા દસ કદમ આગળ છે, જ્યારે ચીને આ અહેવાલોને નકારતા સફાઈ આપી છે કે તેનો આ મામલે કોઈ સંબંધ નથી.

LATEST ARTICLES