મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના સૈન્ય ગઠબંધને ગત શુક્રવારે એક મહત્વપૂર્ણ સુરક્ષા કાર્યવાહીની જાહેરાત કરી હતી. ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-માલ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી આપતા જણાવ્યું હતું કે, આતંકવાદી હૂતી મિલિશિયા દ્વારા મક્કા ક્ષેત્ર તરફ એક ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને સાઉદી સૈન્ય દળોએ સમયસર હવામાં જ આંતરીને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધું છે. સાઉદી પ્રશાસન દ્વારા આ પવિત્ર ભૂમિની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની ચૂક ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે.
આ ઘટના બાદ યેમેનના હૂતી વિદ્રોહી જૂથે સાઉદી અરેબિયાના આ દાવા સામે આક્રમક વલણ અપનાવ્યું છે. હૂતી જૂતના સૈન્ય પ્રવક્તા યહ્યા સારેએ સાઉદી અરેબિયાના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢતા તેને 'એક વિશાળ અને ગંભીર બનાવટ' ગણાવ્યું છે. વિદ્રોહી જૂથે સ્પષ્ટપણે સ્પષ્ટતા કરી છે કે તેમણે ઇસ્લામના સૌથી પવિત્ર શહેર મક્કાને લક્ષ્ય બનાવીને કોઈ ડ્રોન કે ક્ષેપણાસ્ર હુમલો કર્યો નથી, અને આ પ્રકારે સાઉદી અરેબિયા દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા અને યેમેનના હૂતી વિદ્રોહીઓ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં અગાઉ પણ મક્કા ક્ષેત્ર અથવા તેની આસપાસના વિસ્તારોમાં મિસાઈલ કે ડ્રોન હુમલાના પ્રયાસો થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સાઉદી પ્રશાસન હંમેશાં મક્કા અને મદીના જેવા પવિત્ર ધાર્મિક સ્થળોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે, જ્યારે હૂતી જૂથ પણ વારંવાર આવા પવિત્ર સ્થળોને નિશાન બનાવવાના દાવાઓને નકારતું આવ્યું છે. આ તાજા વિવાદે ક્ષેત્રીય સુરક્ષા અને બંને પક્ષો વચ્ચેના અવિશ્વાસને વધુ ઘેરો બનાવ્યો છે.
