JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

કોંગ્રેસે વડાપ્રધાન માટે અપશબ્દોની ડિક્શનરી બનાવી છે: હર્ષ સંઘવીના પ્રહાર

Oct 30, 2026 | 13:16 | By JAMNAGAR MIRROR
કોંગ્રેસે વડાપ્રધાન માટે અપશબ્દોની ડિક્શનરી બનાવી છે: હર્ષ સંઘવીના પ્રહાર
બનાસકાંઠાના ભીલડી ખાતે યોજાયેલા જનસભાસમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર સત્તાની લાલચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના દિવંગત માતા-પિતા વિરુદ્ધ અપશબ્દો વાપરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

બનાસકાંઠાના ભીલડી ખાતે એક ભવ્ય જનસભાસમારોહને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવુક અંદાજમાં ભૂતકાળના દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજથી પચાસ વર્ષ પહેલાં પાણી, વીજળી અને પાયાની સુવિધાઓના અભાવે તેમના પરિવાર સહિત હજારો પરિવારોએ બનાસકાંઠા છોડવું પડ્યું હતું. દુકાળની વિકટ પરિસ્થિતિમાં પશુપાલકો અને બહેનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતુ, સમય બદલાયો અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ ધરતીનું ભાગ્ય પલટાયું. વર્ષ ૨૦૦૩માં કરાયેલા વચન મુજબ આજે બનાસકાંઠા માત્ર પછાત જિલ્લો નથી રહ્યો, પરંતુ એશિયાનું સૌથી મોટું ડેરીનું ઘર બનીને સમગ્ર દેશમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે છે.

કોંગ્રેસ પર તીખા પ્રહાર કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૫ વર્ષમાં કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાન મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિઝન અને તેમના લોકઉપયોગી કાર્યોનો રાજકીય મુકાબલો કરવામાં નિષ્ફળ રહ્યા છે. સત્તા મેળવવાની લાલચમાં આ નેતાઓએ વડાપ્રધાન માટે અપશબ્દોની જાણે એક આખી ડિક્શનરી બનાવી દીધી છે. કોંગ્રેસીઓએ વડાપ્રધાન માત્ર વ્યક્તિગત રીતે જ નહીં પરંતુ તેમના સ્વર્ગસ્થ માતા-પિતા વિરુદ્ધ પણ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમણે ઉમેર્યું કે આ લોકો સવારથી જાગીને માત્ર વડાપ્રધાનને ગાળો આપવાનું જ કામ કરે છે, પરંતુ દેશના ૧૪૦ કરોડ નાગરિકોનો વડાપ્રધાન પ્રત્યેનો ગાઢ પ્રેમ અને વિશ્વાસ આ વિપક્ષીઓ ક્યારેય તોડી શકશે નહીં.

આ કાર્યક્રમ દરમિયાન ભીલડી ગામથી સમગ્ર રાજ્યને હજારો કરોડ રૂપિયાની વિકાસ ભેટ મળી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. બનાસકાંઠામાં આજે ચારેય તરફ વિકાસનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને અનેકવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશે પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી છે, ત્યારે કેટલાક તત્વો દેશમાં અફવાઓ ફેલાવીને અસ્થિરતા ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે, જેનો જનતા યોગ્ય જવાબ આપી રહી છે.

LATEST ARTICLES