JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા આજે રાત્રે જીપીએસ સિસ્ટમને મજબૂત કરવા NVS-03 સેટેલાઇટનું પ્રક્ષેપણ

Oct 30, 2026 | 12:20 | By JAMNAGAR MIRROR
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા આજે રાત્રે જીપીએસ સિસ્ટમને મજબૂત કરવા NVS-03 સેટેલાઇટનું પ્રક્ષેપણ
ઇસરો દ્વારા શ્રીહરિકોટાથી GSLV-F18 રોકેટ દ્વારા NVS-03 નેવિગેશન સેટેલાઇટ આજે રાત્રે લૉન્ચ કરવામાં આવશે. આ મિશનથી ભારતની નેવિક (NavIC) સિસ્ટમમાં અત્યાધુનિક L1 સિગ્નલ અને સ્વદેશી એટોમિક ક્લોક ઉમેરાતા તેની ક્ષમતામાં મોટો વધારો થશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) આજે રાત્રે ૧૧:૫૧ કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લૉન્ચ પેડ પરથી GSLV-F18 રોકેટ દ્વારા અત્યાધુનિક NVS-03 નેવિગેશન સેટેલાઇટનું સફળ પ્રક્ષેપણ કરવા જઈ રહી છે. ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ 'નેવિક' (NavIC) ના બીજા તબક્કાના આ મહત્વપૂર્ણ મિશન અંતર્ગત સેટેલાઇટને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માં સ્થાપિત કરવામાં આવશે. જીએસએલવી (GSLV) પ્રોગ્રામની આ ૨૦મી ઉડાન દેશની અવકાશ તકનીક અને સ્વદેશી નેવિગેશન ક્ષમતાને વધુ મજબૂત દિશા પ્રદાન કરશે, જેનાથી સચોટ લોકેશન અને ટાઈમિંગ સેવાઓનો વ્યાપ વઘુ વિસ્તૃત બનશે.

આ નવા સેટેલાઇટનું મુખ્ય આકર્ષણ તેમાં સામેલ કરવામાં આવેલી અત્યાધુનિક સુવિધાઓ છે, જે ભારતની પ્રાદેશિક નેવિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરની બનાવવામાં મદદરૂપ થશે. હાલની L5 અને S-બૅન્ડ સિગ્નલ ફ્રિકવન્સીની સાથે આ મિશનમાં નવી L1 નેવિગેશન ફ્રિકવન્સીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જે નાગરિક અને વ્યવસાયિક ઉપયોગ માટે નેવિગેશન એપ્લિકેશન્સની ઉપયોગિતામાં નોંધપાત્ર વધારો કરશે. આ ઉપરાંત, સેટેલાઇટમાં અત્યંત ચોકસાઈપૂર્વક સમયની માહિતી પૂરી પાડવા માટે અદ્યતન સ્વદેશી એટોમિક ક્લોકનો સમાવેશ કરાયો છે, જે ભારતની ભૌગોલિક સીમાઓ અને તેની આસપાસના ૧૫00 કિલોમીટરના વિસ્તાર સુધી અવિરત અને વિશ્વસનીય કવરેજ પૂરું પાડશે.

ભારતની સ્વદેશી પ્રાદેશિક સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ 'નેવિક' સામાન્ય નાગરિકો માટે સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ (SPS) અને અધિકૃત યુઝર્સ માટે એન્ક્રિપ્ટેડ રેસ્ટ્રિક્ટેડ સર્વિસ (RS) એમ બે શ્રેણીઓમાં સેવાઓ પ્રદાન કરે છે. ટ્રાન્સપોર્ટેશન, લોકેશન-બેઝ્ડ સર્વિસીસ અને પરિવહનને લગતી અ અનેક ગતિવિધિઓ માટે આ સિસ્ટમ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. ઇસરો દ્વારા આ સેટેલાઇટ શ્રેણીના પાંચ બીજા જનરેશનના ઉપગ્રહોનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી NVS-01 ની સફળતા બાદ હવે NVS-03 નું આ લોન્ચિંગ ભારતની સ્વતંત્ર અવકાશ આધારિત નેવિગેશન પ્રણાલીને વધુ સક્ષમ, આધુનિક અને સુરક્ષિત બનાવવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

LATEST ARTICLES