ક્રિકેટ જગતની બે સૌથી મોટી અને કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાન આજે હોંગકોંગ સિક્સિસ ૨૦૨૬ના મંચ પર આમને-સામને ટકરાવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મોંગ કોકના મિશન રોડ ગ્રાઉન્ડ ખાતે રમાનારી આ હાઈ-વોલ્ટેજ ગ્રૂપ-સી મુકાબલા પર દુનિયાભરના ક્રિકેટ રસિકોની નજર ટકેલી છે. અગાઉ એશિયન ગેમ્સની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પણ વિજયી રથ જાળવી રાખવા માટે મેદાનમાં उतरશે. બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધોનો રોમાંચ આ ફોર્મેટમાં પણ દર્શકોને પૂરતો મનોરંજન પૂરું પાડશે તેવી પૂરી આશા છે.
આ ટૂર્નામેન્ટ માટે બંને ટીમોએ પોતાની મજબૂત સ્કવોડ જાહેર કરી દીધી છે, જેમાં અનુભવી અને યુવા ખેલાડીઓનો ઉત્તમ સમન્વય જોવા મળે છે. ભારતીય ટીમની કમાન અનુભવી ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાના હાથમાં સોંપવામાં આવી છે, જ્યારે ટીમમાં શશાંક સિંહ, નીતિશ રાણા, રાહુલ તેવટિયા, રાહુલ ત્રિપાઠી, ટી. નટરાજન અને કુલવંત ખેજરોલિયા જેવા વિસ્ફોટક ખેલાડીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ, પાકિસ્તાનની ટીમની આગેવાની અબ્બાસ અફ્રિદી કરી રહ્યા છે, જેમાં અબ્દુલ સમદ અને ખુવાજા નાફય જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ પણ ઉપસ્થિત છે. આ સિક્સ-એ-સાઇડ ફોર્મેટમાં દરેક ખેલાડી પર ઝડપી રન બનાવવાની અને શાનદાર પ્રદર્શન કરવાની મોટી જવાબદારી રહેશે.
આ રોમાંચક મુકાબલામાં હવામાન પણ ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર લઈને આવ્યું છે કારણ કે મેચ દરમિયાન વરસાદની કોઈ જ શક્યતા નથી. મોંગ કોકનું આકાશ સંપૂર્ણપણે સાફ અને સન્ની રહેવાની ધારણા છે, જ્યાં તાપમાન ૨૭ થી ૨૯ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે અને હવામાં ભેજનું પ્રમાણ ૬૫ થી ૭૦ ટકા આસપાસ રહેશે. પીચ પર હળવો પવન ફાસ્ટ બોલરોને શરૂઆતની ઓવરોમાં થોડી મદદ પૂરી પાડી શકે છે. હેડ-ટુ-હેડ આંકડાઓની વાત કરીએ તો, હોંગકોંગ સિક્સિસના ઈતિહાસમાં પાકિસ્તાન ૪-૧થી આગળ છે, જોકે ગત વર્ષે ભારતે ડીએલએસ પદ્ધતિથી પાકિસ્તાનને હરાવીને પોતાની પહેલી જીત નોંધાવી હતી, ત્યારે આજે ભારત આ રેકોર્ડ સુધારવા માટે પૂરી તાકાત લગાવશે.
