ભૂટાનના અત્યંત સંવેદનશીલ શિંતાફુ તળાવ અને પુનત્સાંગછુ નદીના ઉપરવાસમાં ગ્લેશિયર તૂટવાની ઘટનાને કારણે સર્જાયેલી કુદરતી આફતની અસર હવે ભારતના પડોશી રાજ્યો સુધી પહોંચી છે. આ અચાનક બનેલી ઘટના બાદ ઉત્તર બંગાળ અને આસામના નીચાણવાળા વિસ્તારોમાં ભારે તારાજી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ભારત દ્વારા જારી કરવામાં આવેલી ખાસ એડવાઈઝરી મુજબ, પૂરનું પાણી માત્ર ૬ થી ૮ કલાકની અંદર ભારત-ભૂટાન સરહદ સુધી પહોંચવાની ધારણા છે, જેના કારણે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને આસામના ધુબરી જિલ્લા સહિત સંકોષ નદીની આસપાસના કેચમેન્ટ વિસ્તારોમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. નદીના જળસ્તરમાં અચાનક મોટો ઉછાળો આવવાની સંભાવનાને પગલે સરહદી વિસ્તારોમાં સાયરન વગાડીને લોકોને તાત્કાલિક સાવચેત કરવામાં આવ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે અલીપુરદ્વાર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવ્યા છે. એસડીઆરએફ (SDRF) અને એનડીઆરએફ (NDRF) ની કુશળ ટીમોની સાથે સિવિલ ડિફેન્સના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. કુમારગ્રામ બ્લોક સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આશરે ૧૮ જેટલા રાહત કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં શાળાઓ, સામુદાયિક ભવનો અને ચાના બગીચાઓની ઇમારતોનો આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આશરે ૪,૦૦૦ થી ૫,૦૦૦ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય ૬,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા આ તમામ અસરગ્રસ્તો માટે પીવાનું પાણી, સૂકું અનાજ અને પાયાની સ્વચ્છતા જેવી આવશ્યક ચીજવસ્તુઓની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
અલીપુરદ્વારના પોલીસ અધિક્ષક અમિત કુમાર શાહે નાગરિકોને અફવાઓથી દૂર રહીને ધીરજ જાળવવા અપીલ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. જો કે, પાણીના પ્રવાહમાં જો કે થોડો ઘટાડો નોંધાયો છે તેમ છતાં વહીવટીતંત્રે આગામી સમય માટે હાઈ એલર્ટ જાળવી રાખ્યું છે. આગામી કલાકોમાં સંકોષ નદીના પ્રવાહ સાથે મૃત માછલીઓ, લાકડાના મોટા ટુકડા અને કોંક્રિટનો કાટમાળ વહીને આવવાની શક્યતા હોવાથી નદી કિનારે અવરજવર ન કરવા તેમજ વિશેષ સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન ભૂટાનના સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં રહીને પળેપળની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે જેથી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને તાત્કાલિક ધોરણે નિવારી શકાય.
