JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ગાંધીનગરમાં ગેરકાયદે PG સામે અવાજ ઉઠાવતા જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને ધોકાથી જીવલેણ હુમલો

Oct 30, 2026 | 11:25 | By JAMNAGAR MIRROR
ગાંધીનગરમાં ગેરકાયદે PG સામે અવાજ ઉઠાવતા જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને ધોકાથી જીવલેણ હુમલો
ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહેણાક સોસાયટીમાં ગેરકાયદે ધમધમતા પીજી સામે વિરોધ નોંધાવનાર જ્વેલર્સના વેપારીને કેટલાક શખ્સોએ દુકાનમાં ઘૂસીને ઢોરમાર માર્યો હતો. આ હિંસક ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભય ફેલાયો છે.

ગાંધીનગર શહેરના અત્યંત પોશ અને વિકસિત ગણાતા રાયસણ વિસ્તારમાં આવેલા એક આવાસીય સોસાયટીમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓએ ગંભીર રૂપ ધારણ કર્યું છે. અહીં છેલ્લા બે વર્ષથી કોઈપણ કાયદેસરની મંજૂરી કે નિયમોનું પાલન કર્યા વિના ગેરકાયદેસર રીતે પીજી (પેઈંગ ગેસ્ટ) મકાનો ચલાવવામાં આવી રહ્યા હતા. આ બે મકાનોમાં આશરે 50 થી 60 જેટલા યુવકો એકસાથે રહેતા હોવાથી સોસાયટીમાં અશાંતિનું વાતાવરણ રહેતું હતું અને મોડી રાત સુધીના અવાજો તેમજ અડપલાંના કારણે આસપાસના રહેવાસીઓ ભારે મુશ્કેલી અનુભવતા હતા. આ ત્રાસથી કંટાળીને સોસાયટીની મહિલાઓ અને સ્થાનિક રહીશોએ અગાઉ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં લેખિત તથા મૌખિક રજૂઆતો પણ કરી હતી, પરંતુ પ્રશાસન તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થતા મામલો વણસ્યો હતો.

આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે સોસાયટીના અગ્રણી અને સ્થાનિક જ્વેલર્સના વેપારી વિપુલ પટેલે અવાજ ઉઠાવ્યો હતો, જેની અદાવત રાખીને પીજી સંચાલકો અને તેમની સાથેના શખ્સો અંદરખાને રોષે ભરાયા હતા. ગઈકાલે જ્યારે વિપુલ પટેલ પોતાની જ્વેલરીની દુકાન પર હાજર હતા, ત્યારે અચાનક કેટલાક અસામાજિક તત્વો હાથમાં લાકડાના ધોકા અને લોખંડની પાઈપ જેવા હથિયારો લઈને તેમની દુકાનમાં ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ દુકાનમાં વ્યાપક તોડફોડ મચાવી હતી અને વેપારી પર જીવલેણ હુમલો કરી તેમને બેફામ માર માર્યો હતો. હુમલાખોરોએ વેપારીને ભવિષ્યમાં આ બાબતમાં વચ્ચે નહીં બોલવાની કડક ચેતવણી આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી, જેના કારણે વેપારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ સમગ્ર હિંસક ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગાંધીનગરના વેપારી વર્ગ અને સ્થાનિક રહીશોમાં ભારે ડર અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં મિત બોખરીયા, રામભાઈ બોખરીયા અને શંકરભાઈ કનોજીયા સહિત કુલ ૬ શખ્સો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના પુરાવાને આધારે તપાસના ચક્રો ત્વરિત ગતિમાન કર્યા છે અને ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LATEST ARTICLES