અમેરિકી રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્રમ્પના વધતા જતા દબાણ અને કૂટનીતિક પ્રયાસોના પરિણામે યુક્રેને રશિયાની ઓઈલ રિફાઈનરીઓ પર લાંબા અંતરથી કરવામાં આવતા ડ્રોન હુમલાઓને અસ્થાયી રૂપથી 'ઓન પોઝ' પર મૂક્યા છે. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, ઓક્ટોબરના મધ્યભાગમાં જ યુક્રેનની સૈન્ય ટુકડીઓને આ ઝુંબેશ રોકી દેવા અંગે સૂચના આપી દેવામાં આવી હતી. જોકે, સૈન્ય અધિકારીઓને માત્ર તે જ મિશન પૂર્ણ કરવાની છૂટ આપવામાં આવી હતી જે પહેલેથી જ પ્રક્રિયામાં હતા, અને ત્યારબાદ નવા હુમલાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. આ બિનસત્તાવાર વિરામ અમેરિકાની મધ્યસ્થ ચૂંટણીઓ અને નવેમ્બર મહિના સુધી લંબાય તેવી પૂરી સંભાવના છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને યુક્રેન વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં આવેલી ખટાશ હોવાનું મનાય છે. યુક્રેનના હુમલાઓને કારણે વૈશ્વિક બજારમાં ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી જતા યુએસ પ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પ નારાજ થયા હતા, જેના કારણે કિવ પર હુમલા રોકવા માટેનું દબાણ વધ્યું હતું. અગાઉ યુક્રેન આ પ્રકારના વિરોધ સામે અડગ રહ્યું હતું અને રશિયાના સતત હુમલાઓ સામે આ લાંબા અંતરની ડ્રોન ઝુંબેશને જ પોતાનો એકમાત્ર અસરકારક જવાબ ગણાવતો હતો. વર્તમાન સમયમાં જ્યારે યુરોપના આ સૌથી ભીષણ સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકા સમર્થિત શાંતિ વાટાઘાટોને પુનઃજીવિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે આ પગલું અત્યંત સૂચક માનવામાં આવે છે.
બીજી બાજુ, યુક્રેન દ્વારા હુમલાઓ અટકાવવામાં આવ્યા હોવા છતાં, રશિયાએ યુક્રેનની ઉર્જા પ્રણાલીઓ અને નાગરિક માળખાકીય સુવિધાઓ પરના પોતાના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. યુક્રેનની આ નરમાઈ છતાં જમીની વાસ્તવિકતામાં હજુ પણ તણાવ યથાવત છે અને યુદ્ધના મેદાનમાં પરિસ્થિતિ અત્યંત નાજુક બની રહી છે. આ અસ્થાયી વિરામ ભવિષ્યમાં શાંતિ મંત્રણા માટેનો માર્ગ મોકળો કરે છે કે કેમ, તે તો આગામી સમય જ કહેશે, પરંતુ હાલ પૂરતું આ પગલું વૈશ્વિક રાજકારણ અને ઉર્જા બજારમાં મોટો ફેરફાર સાબિત થઈ રહ્યું છે.
