ગુવાહાટી ખાતે રાજ્ય સરકારના રાજકીય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, આસામમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે આ આઠ સભ્યોની વિશેષ સમિતિ બનાવવામાં આવી છે. ગૃહ અને રાજકીય વિભાગના સચિવ દેબા પ્રસાદ મિશ્રાને આ નિયમ ઘડતર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પેનલમાં નાણા વિભાગના વિશેષ કમિશનર તથા સચિવ પાર્થ પ્રતીમ મજૂમદાર, કાનૂની સચિવ ગીતાંજલિ ડી. સૈકિયા, અલ્પસંખ્યક કલ્યાણ અને વિકાસ સચિવ ફરીદા સમસુલ તેમજ ગૃહ અને રાજકીય વિભાગના વધારાના સચિવ મૃદુલ કુમાર દાસ સહિતના કુશળ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સમિતિને નિર્ધારિત સમયમર્યાદા એટલે કે માત્ર એક મહિનાની અંદર ડ્રાફ્ટ નિયમો તૈયાર કરીને સબમિટ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગત ૨૭ મેના રોજ આસામ વિધાનસભા દ્વારા 'ધ યુનિફોર્મ સિવિલ કોડ, આસામ, ૨૦૨૬ બિલ' પસાર કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મથી પર થઈને લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને લિવ-ઈન રિલેશનશિપ જેવા તમામ અંગત મામલાઓ માટે એક સમાન કાનૂની માળખું ઊભું કરવાનો છે. આ અગાઉ મે મહિનામાં ઉત્તરાખંડ અને ગુજરાત બાદ આસામ આવું બિલ પસાર કરનાર દેશનું ત્રીજું રાજ્ય બન્યું હતું. ગૃહ અને રાજકીય વિભાગના વધારાના મુખ્ય સચિવ અજય તિવારી દ્વારા ૧૩ ઓક્ટોબરના રોજ જારી કરાયેલા આદેશ મુજબ આ પ્રસ્તાવિત બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે કેન્દ્ર સરકાર પાસે મોકલી દેવામાં આવ્યું છે, જે મંજૂરી મળ્યા બાદ રાજ્યમાં કાયદાકીય સ્વરૂપ ધારણ કરશે.
આ નવા કાયદાની વિશેષતાઓમાં બહુપત્નીત્વ (પોલીગામી) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સાથે લિવ-ઈન રિલેશનશિપનું રજસ્ટ્રેશન ફરજિયાત બનાવવાનો સમાવેશ થાય છે. જો કે, આ બિલની જોગવાઈઓ આસામમાં વસતા અનુસૂચિત જનજાતિ (Scheduled Tribes) ના નાગરિકોને લાગુ પડશે નહીં. આ ઉપરાંત, કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક દંડાત્મક પગલાંની પણ જોગવાઈ છે, જેમાં બે કે તેથી વધુ લગ્ન કરવા પર સાત વર્ષ સુધીની જેલની સજા અને લિવ-ઈન રિલેશનશિપની નોંધણી ન કરાવવા પર ત્રણ મહિનાની જેલની સજાની જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે.
