નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના IDBI બેંકમાં પોતાનો હિસ્સો ફેેરફેક્સ હોલ્ડિંગ્સને વેચવાના નિર્ણય સામે રાજકીય ગરમાવો આવ્યો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બેંક કર્મચારીઓના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ખુલ્લેઆમ તેમનું સમર્થન જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા પર IDBI બેંક પરિવારને સંબોધિત એક પત્ર શેર કરતા તેમણે સરકારની આ નીતિની આકરી ટીકા કરી હતી અને કોંગ્રેસ શાસન દરમિયાન સ્થપાયેલી બેંકોના ઇતિહાસને વર્તમાન સરકારના વેચાણ અભિયાન સાથે સરખાવ્યો હતો. તેમણે કટાક્ષ કર્યો હતો કે કોંગ્રેસના સમયમાં રાષ્ટ્રના ઉદ્યોગોના નિર્માણ માટે બેંકો ઊભી કરવામાં આવતી હતી, જ્યારે વર્તમાન શાસનમાં માત્ર દેશની સંપત્તિનું વેચાણ જ કરવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ, કેન્દ્ર સરકારે પોતાના આ વ્યૂહાત્મક વિનિવેશના નિર્ણયનો બચાવ કરતા સ્પષ્ટતા કરી છે કે આ પગલું 'વ્યૂહાત્મક પુનર્ગઠન' (સ્ટ્રેટેજિક રિસ્ટ્રક્ચરીંગ)નો એક ભાગ છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રક્રિયા રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) માં નિર્ધારિત જોગવાઈઓ મુજબ જ પાર પાડવામાં આવી છે અને સેક્રેટરીઓની સમિતિ તેમજ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની મંજૂરી બાદ જ આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. અગાઉ આ વર્ષની શરૂઆતમાં આ પ્રક્રિયા એટલા માટે રદ કરવી પડી હતી કારણ કે મળેલા બિડ્સ રિઝર્વ પ્રાઇસ કરતા ઘણા ઓછા હતા, પરંતુ ત્યારબાદ સરકારે ફરીથી નવી બિડ આમંત્રિત કરી હતી અને યોગ્ય મૂલ્યાંકન પદ્ધતિ અપનાવીને આ નિર્ણય લીધો છે.
સરકારનું એમ પણ કહેવું છે કે આ સમગ્ર લેવડદેવડમાં અપનાવવામાં આવેલી પ્રક્રિયા માત્ર આંતરિક માર્ગદર્શિકાના ભાગરૂપે હતી, જે કોઈ કઠોર કાનૂની માળખું નથી. જટિલ વ્યૂહાત્મક વ્યવહારોમાં સમય અને નાણાંનો બગાડ અટકાવવા માટે વ્યવહારિક છૂટછાટો લેવામાં આવતી હોય છે. આમ છતાં, સરકારના આ ખુલાસા વચ્ચે પણ કર્મચારી યુનિયનો અને વિપક્ષી નેતાઓનો વિરોધ યથાવત રહ્યો છે. રાહુલ ગાંધીના સીધા હસ્તક્ષેપથી આગામી દિવસોમાં બેંકના આ વિનિવેશ સામેનો વિરોધ વધુ ઉગ્ર બને તેવી પૂરી સંભાવના છે, જેના પર દેશભરના નાણાકીય વર્તુળોની મીટ અટકેલી છે.
